લંડનઃ અમેરિકામાં ગેરકાયદેસર અને દવાઓની દાણચોરી તેમજ મેડિકેર જેવી સરકારી અને ખાનગી આરોગ્ય વીમા યોજનાઓ સાથે કરોડો ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર એક બ્રિટિશ ઇન્ડિયન ઉદ્યોગપતિ અને તેમની પૂર્વ પત્ની હાલ યુએસમાં પ્રત્યર્પણ અટકાવવા સામે કાનૂની લડાઈ લડી રહ્યા છે.
સુખજીત સિંહ ઘુમન અને તેમની પૂર્વ પત્ની કિરણજીત ઘુમનની માલિકીના કેલિફોર્નિયા અને એરિઝોના સ્થિત મેડિકલ ક્લિનિક્સ દ્વારા કેન્સરના દર્દીઓને જાણ બહાર જ ભારતથી મંગાવેલી અને યુએસ એફડીએ દ્વારા અપ્રમાણિત દવાઓ આપવાનો આક્ષેપ છે. આ પૈકીની કેટલીક દવાઓ તો એક્સપાયરી ડેટ વટાવી ચૂકી હતી. આ દંપતીએ યુએસ એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત મોંઘી દવાઓ આપી હોવાનું દર્શાવીને મેડિકેર અને અન્ય સ્વાસ્થ્ય વીમા કંપનીઓ પાસે મોટાં બિલ વસૂલ કર્યાં હોવાનો પણ આક્ષેપ છે.
નોટિંગહામશાયરમાં રહેતા છૂટાછેડા લીધેલા દંપતીએ ગત સપ્તાહે પોતાના પ્રત્યર્પણનો વિરોધ કરવા માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજરી આપી હતી.


