લંડનઃ ચીનના ચેન્ગ ફાઇવ મિશન દ્વારા લવાયેલી ચંદ્રની માટી પર સંશોધન કરવા માટે યુકેના સંશોધકોને કેટલાંક નમૂના અપાયાં છે. યુકેના વૈજ્ઞાનિક ભારતીય મૂળના મહેશ આનંદને લુનાર ડસ્ટના કેટલાંક સેમ્પલ અપાયાં છે. ચીને પહેલીવાર કોઇ વિદેશી સંશોધકોને આ સેમ્પલ આપ્યાં છે.
2020માં ચીનના રોબોટિક લેન્ડર દ્વારા ચંદ્રના મોન્સ રુમકેર વોલ્કેનિક રિજિયનમાંથી આ માટી એકઠી કરાઇ હતી. 1976માં સોવિયેત લુનાર મિશન દ્વારા ચંદ્રની માટી પૃથ્વી પર લવાઇ ત્યારબાદ પહેલીવાર કોઇ દેશને આ સફળતા હાંસલ થઇ છે.
હવે ચીને વૈજ્ઞાનિક સહકારનો વિસ્તાર કરતાં રશિયા, જાપાન, પાકિસ્તાન, યુરોપ અને યુકેના વૈજ્ઞાનિકો સહિતની 7 આંતરરાષ્ટ્રીય ટીમને આ સેમ્પલ આપ્યાં છે. ગયા સપ્તાહમાં બેઇજિંગમાં એક વિધિવત સમારોહમાં પ્રોફેસર મહેશ આનંદને આ સેમ્પલ અપાયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ એક સમાંતર બ્રહ્માંડ જેવું છે. સ્પેસ પ્રોગ્રામમાં ચીન અન્યો કરતાં ઘણો આગળ છે.
જોકે તેમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે બ્રહ્માંડમાંથી લવાયેલા સેમ્પલ જો પૃથ્વી પરના મટિરિયલ સાથે ભળી જોય તો તેની ચકાસણીના સારા પરિણામ હાંસલ થઇ શક્તાં નથી.