લંડન
બ્રિટિશ એશિયન અને બ્રિટિશ ભારતીયોને વિભાજિત કરવાના બદઇરાદાનો પર્દાફાશ થઇ જતાં સમુદાય, વિવિધ સંગઠનો અને આગેવાનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેમણે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન બ્રિટિશ ગુજરાતીનો ઉગ્ર વિરોધ કરતાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચારે અપનાવેલા વલણને આવકાર્યું છે.
લોર્ડ રેમી રેન્જર સીબીઇએ તેમના પત્રમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે કોઇએ બ્રિટિશ ભારતીયોને તેમની વંશીયતાના આધારે વિભાજિત કરવા જોઇએ નહીં. બ્રિટિશ ભારતીયોએ એકજૂથ રહેવું જોઇઅએ અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિને સમજવી જોઇએ. લોર્ડ ડોલર પોપટે ગુજરાત એપીપીજીની રચનાના પ્રસ્તાવ પર પુનઃવિચારણા કરવાની અપીલ કરતાં હિન્દુ સમુદાયને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સાથે મળીને કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
સમુદાયની સંવેદના અને લાગણીઓનો પડઘો પાડતાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચારે સાંસદ ગેરેથ થોમસને ખુલ્લો પત્ર લખી જણાવ્યું છે કે તમે બ્રિટિશ ગુજરાતીઓ અથવા બ્રિટિશ ભારતીય સમુદાયના વિભાજક બનશો નહીં. એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમે આ મામલા સાથે સંકળાયેલા તમામને દુષ્પરિણામો આપતા સાહસને અટકાવી દેવાની અપીલ કરીએ છીએ.
કોઇએ બ્રિટિશ ભારતીયોને તેમની વંશીયતાના આધારે વિભાજિત કરવા જોઇએ નહીં – લોર્ડ રેમી રેન્જર
લોર્ડ રેમી રેન્જર સીબીઇએ જણાવ્યું હતું કે, જો કોઇ સંગઠનની રચના સમુદાયની એકતા માટે કરવામાં આવે અને તે અંતે સમુદાયને વિભાજિત કરે તો તે સંગઠન મૂળ હેતૂને જ પરાજિત કરે છે. એપીપીજી ગુજરાતીએ બ્રિટિશ ગુજરાતી સમુદાયમાં જ ભાગલા પાડ્યા છે અને તેના પ્રારંભ પહેલાં જ વિવાદ સર્જાયો છે. યુકેમાં ભારતીય સમુદાયને નબળો પાડવા માટે તેને વિભાજિત કરવાનો આ પોલિટિકલ સ્ટન્ટ હોવાનું ઘણા માની રહ્યાં છે. ભારત અને હિન્દુઓના હિતોની રજૂઆત કરવા માટે એપીજી ફોર હિન્દુ અને એપીજી ફોર ભારત અસ્તિત્વમાં છે ત્યારે આ પ્રકારના પ્રાદેશિક ગ્રુપની જરૂરીયાત શું છે તે મને સમજાતું નથી. જેમને પણ આ વિચાર આવ્યો છે તેઓ એ જોખમને જાણતા નથી કે તેનાથી ભારતના અન્ય પ્રદેશો માટે અલગ એપીજીનો શિરસ્તો શરૂ થશે અને તેઓ પોતાના જ હિતોને આગળ કરશે, નહીં કે ભારતના. છેલ્લે એટલું કહીશ કે બ્રિટિશ ભારતીય સમુદાયે એકજૂથ રહેવું જોઇએ.
એપીપીજી ગુજરાત યુકેમાં અન્ય લઘુમતી સમુદાયોમાં ખોટો સંદેશ આપી શકે છે – લોર્ડ પોપટ
એપીપીજી ગુજરાત પર પોતાની ચિંતા વ્યક્ત કરતાં લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, યુકેમાં વસતા ગુજરાતી સમુદાયના મુદ્દા અને હિતોની રજૂઆત માટે ઇચ્છા હોય તે સમજી શકાય છે પરંતુ હું માનું છું કે આ પ્રકારે અલગ એપીપીજી શ્રેષ્ઠ પ્રયાસ નથી. લોર્ડ પોપટે પત્રમાં જણાવ્યું હતું કે, 90ના દાયકામાં હું બ્રિટિશ અને હિન્દુ હોવાના ગૌરવના નારા સાથે આવ્યો હતો. આ નારો જ મારી ઓળખ અને આપણે બ્રિટિશ સમાજમાં એકરૂપ થયાં છીએ તે સ્થાપિત કરે છે. સાથે સાથે મને આપણા ઇતિહાસ અને પ્રદેશ માટે પણ ગૌરવ છે. મેં ઘણા વર્ષો સુધી હિન્દુ ફોરમ સાથે કામ કર્યું છે અને જાણું છું કે તેઓ હિન્દુ ધર્મને તેના વિવિધ સ્વરૂપે રજૂ અને પ્રમોટ કરવા કામ કરે છે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર હિન્દુનું અસ્તિત્વ છે અને યુકેમાં હિન્દુ સમુદાય માટે કામ કરે છે. તેમાં ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના લોકો સામેલ છે. અલગ એપીપીજી ગુજરાતનું સર્જન કરીને આપણે વિભાજનનું જોખમ વહોરી રહ્યાં છે. આપણે સમાજ એકજૂથ કેવી રીતે થાય તેના કરતાં સમાજને શું વિભાજિત કરે છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. બીજી વાત એ કે અલગ એપીપીજી ગુજરાતની રચનાથી પ્રયાસો અને રિસોર્સ બેવડાઇ જશે. ગુજરાતી સમુદાયને નડતી મુશ્કેલીઓનો હિન્દુ સમુદાયના અન્ય સમાજો પણ સામનો કરી રહ્યાં છે. અલગ સંગઠન રચવાને બદલે આપણે તમામને લાભદાયી નીવડે તેવા ઉકેલો શોધવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ. તે ઉપરાંત અલગ એપીપીજી ગુજરાતની રચનાથી યુકેમાં અન્ય લઘુમતી સમુદાયોમાં પણ ખોટો સંદેશ જશે. આપણે એકતા અને વિવિધતાને પ્રમોટ કરવી જોઇએ. હું આ મામલા સાથે સંકળાયેલા તમામને આ નિર્ણય પર પુનઃવિચારણા માટે અપીલ કરું છું.
NAPS દ્વારા એપીપીજી ગુજરાતીની રચનાનો ઉગ્ર વિરોધ
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણ અમીને પત્ર લખીને જણાવ્યું છે કે, અલગ એપીપીજી ગુજરાતની રચના અંગે મળેલી માહિતીથી અમે ચિંતિત છીએ. હું સ્પષ્ટ કરી દેવા માગુ છું કે અમને આ પ્રકારના ગ્રુપની રચના અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. ગુજરાતીઓને સંબંધિત મુદ્દાઓને આવરી લે તે માટે જરૂરી એપીપીજીનું અસ્તિત્વ છે જ. ગુજરાતી સમુદાયના લોકોને પુરતી માહિતી આપવામાં જ આવી નથી. અમે આ પ્રકારના જૂથની રચનાનો વિરોધ કરીએ છીએ.
સાંસદ ગેરેથ થોમસને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો ખુલ્લો પત્ર
પ્રિય શ્રીમાન ગેરેથ થોમસ, તમે બ્રિટિશ એશિયન અને વિશેષ બ્રિટિશ ભારતીયો સમુદાયોન સારા મિત્ર છો. તમારા મતવિસ્તારમાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. એપીપીજીફોર ગુજરાતી શરૂ કરવા અંગેના તમારા અને અન્યોના પ્રયાસોથી અમને આઘાત લાગ્યો છે. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા તકવાદીઓ જરૂર તમારી પાસે આવ્યા હશે. પરંતુ તમે સારી રીતે જાણતા હશો કે એનસીજીઓ તમામ ગુજરાતી સંગઠનો માટે એકમાત્ર એકછત્રી સંગઠન છે. તેમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી. આ મામલે વિવિધ સંગઠનો દ્વારા તમારી સમક્ષ રજૂઆત કરવામાં આવી ચૂકી છે. પરંતુ તમે જે રીતે ઉડાઉ પ્રત્યાઘાત આપ્યો છે તેનાથી અમે આઘાતમાં છીએ. વિવિધ સંગઠનોના આગેવાનોએ તમને આ દુષ્પરિણામ આપતું સાહસ અટકાવવા અપીલ કરી છે. તેથી તમારે તાત્કાલિક તે અટકાવીને પોતાને તેનાથી અળગા કરી લેવા જોઇએ. તમારો આ પ્રયાસ ભારત, યુકે, સમાજ, લેબરપાર્ટી અને તમારા ખુદના માટે યોગ્ય નથી. અમે તમને આ મામલે ફરી વિચાર કરવા અપીલ કરીએ છીએ. બ્રિટિશ ગુજરાતી અથવા બ્રિટિશ ભારતીય સમુદાયના વિભાજક બનશો નહીં.


