લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ નવલકથાકાર સલમાન રશ્દી પર ઘાતકી હુમલો કરનાર હદી માતારને ન્યૂયોર્કમાં ચાલી ગયેલા કેસમાં જ્યુરી દ્વારા હત્યાના પ્રયાસ માટે દોષી ઠેરવાયો છે. તેની સામે આતંકવાદ સંબંધિત ધારાઓ પણ લગાવવામાં આવી છે. આ કેસમાં તેને 32 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.
જ્યુરી દ્વારા માતારને સલમાન રશ્દી સાથે મંચ પર રહેલા રાલ્ફ હેન્રી રીસ પર હુમલો કરવા માટે પણ દોષી ઠેરવાયો છે. માતારને સજાની સુનાવણી 23 એપ્રિલના રોજ કરાશે.
મેવિલે કોર્ટમાં સુનાવણી દરમિયાન સલમાન રશ્દીએ જાતે હાજર રહીને જુબાની આપીને આરોપની ઓળખ કરી હતી. માતારે સુનાવણીમાં કબૂલાત કરી હતી કે મારા હુમલામાં રશ્દી બચી જશે તેની મેં કલ્પના પણ કરી નહોતી. તે બચી ગયા તે જાણીને મને આશ્ચર્ય થયું હતું.
12 ઓગસ્ટ 2022ના રોડ ચૌતૌક્વા ઇન્સ્ટિટ્યુટ ખાતે આયોજિત વિચારગોષ્ઠિમાં માતાર સ્ટેજ પર ધસી આવ્યો હતો અને સલમાન રશ્દી પર ઉપરાછાપરી ચાકુના ઘા ઝીંકી દીધાં હતાં. જેમાં સલમાન રશ્દીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો.