લંડનઃ બ્રિટિશ ભારતીય કલાકાર હિમેશ પટેલે એકેડમી એવોર્ડ વિજેતા ડિરેક્ટર ડેની બોયલની નવી મ્યુઝિકલ કોમેડી ‘યસ્ટર્ડે’માં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી છે. ફિલ્મના પોસ્ટરમાં જણાવાયું છે ‘યસ્ટર્ડે, સૌ કોઈ બિટલ્સને જાણે છે. અત્યારે માત્ર જેકને તેમના ગીતો યાદ છે. તે ખૂબ નામ કમાશે’.
આ ફિલ્મને મ્યુઝિક, સ્વપ્નો, મૈત્રી અને આપણા જીવનના પ્રેમ તરફ લઈ જતા લાંબા માર્ગ વિશેની રોક-એન-રોલ કોમેડી ગણવામાં આવી છે. આ ફિલ્મની પટકથા ઓસ્કાર નોમિનેટેડ લેખક રિચાર્ડ કર્ટીસે લખી છે.
આ ફિલ્મ જેક મલિક નામના યુવાન વિશે છે. તે સંઘર્ષ કરતો ગાયક અને ગીત લેખક છે. તેની બાળપણની સાથી એલીની સહાય મળવાં છતાં તેના ક્ષેત્રમાં પ્રખ્યાત થવાનું તેનું સ્વપ્ન અધૂરું જ રહી જાય છે. એક વખત અચાનક જ સમગ્ર દુનિયામાંથી વીજળી જતી રહ છે. તેને બસની ટક્કર લાગે છે. અકસ્માતમાં ઘાયલ થયા બાદ તે બીજી જ દુનિયામાં જાગે છે. તે જગતમાં બીટલ્સ અને તેમના ગીતો હોતા નથી. જેક તેમના આ ગીતો ગાવાની તક ઝડપી લે છે અને સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રોકસ્ટાર બની જાય છે.
આગામી ૨૮ જૂને રિલિઝ થનારી આ ફિલ્મમાં ધ બિટલ્સના શ્રેષ્ઠ ગીતો નવા સ્વરૂપે રજૂ કરાયા છે. બીબીસીની સોપ ઓપેરા ‘ઈસ્ટ એન્ડર્સ’માં નવ વર્ષ સુધી લોભી મુસ્લિમ તંવર મસુદની ભૂમિકા ભજવ્યા પછી હિમેશ પટેલ લોકપ્રિય બન્યા હતા.