લંડનઃ બ્રિટનમાં વર્ષ 2012 પછી શ્વેત બ્રિટિશરો અને ભારતીય વંશીય સમુદાયોની સંપત્તિમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે જ્યારે પાકિસ્તાની બ્રિટિશોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2012થી 2023 વચ્ચે એશિયન અને અન્ય શ્વેત વંશીય સમુદાયોની સંપત્તિમાં પણ વધારો થયો છે. જ્યારે પાકિસ્તાની, અશ્વેત આફ્રિકન, અશ્વેત કેરિબિયન અને બાંગ્લાદેશી બ્રિટિશ સમુદાયોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે.
સંપત્તિમાં સૌથી વધુ વધારો ભારતીય અને અન્ય એશિયન વંશીય સમુદાયોમાં નોંધાયો છે. ભારતીય વંશીય સમુદાયની સરેરાશ સંપત્તિમાં 93,000 પાઉન્ડ સુધીનો વધારો થયો છે. જે બ્રિટિશ ભારતીયો બ્રિટનમાં જન્મેલા છે તેમને સીધો લાભ થાય છે જ્યારે યુકેમાં નહીં જન્મેલા ભારતીયો અને અન્ય શ્વેત બ્રિટિશરોને ઓછો લાભ થાય છે.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની, બાંગ્લાદેશી, અશ્વેત કેરિબિયન અને અશ્વેત આફ્રિકન સમુદાયના લોકો શ્વેત બ્રિટિશર, ભારતીય અને અન્ય એશિયન સમુદાયો કરતાં ઓછી બચત કરે છે. બચતનું પ્રમાણે સૌથી વધુ ભારતીય બ્રિટિશરોમાં જોવા મળે છે. 50 ટકા કરતાં વધુ પાકિસ્તાની, બાંગ્લાદેશી, અશ્વેત કેરિબિયન અને આફ્રિકન કોઇ પ્રકારની બચત કરતા જ નથી.
2012થી 2014માં અન્ય સમુદાયો કરતાં શ્વેત બ્રિટિશ, ભારતીયો અને અન્ય એશિયન સમુદાયો સૌથી વધુ મકાનની માલિકી અને ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા હતા. 2021થી 2023ના સમયગાળામાં આ સમુદાયોની સંપત્તિઓ અન્ય સમુદાયો કરતાં પ્રમાણમાં ઘણી વધી ગઇ હતી.


