લંડનઃ યુકે સરકારની એક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય મૂળના બ્રિટિશ પરિવારોમાં સેક્સ રેશિયોમાં અસંતુલન મોટી ચિંતાનો વિષય છે. કેટલાક પરિવારો પુત્ર પ્રાપ્ત કરવા માટે કન્યા ભૃણ હત્યા કરતા હોવાનું સામે આવ્યું છે.
ઓફિસ ફોર હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ડિસ્પેરિટીઝ દ્વારા વર્ષ 2017થી 2021 વચ્ચે જન્મેલા બાળકોના આંકડાની ચકાસણી કરાઇ હતી. જેમાં ભારતીય સમુદાયમાં જન્મ લેતા બાળકોમાં અસામાન્ય તફાવત જોવા મળ્યો હતો. જે ભારતીય બ્રિટિશ પરિવારોમાં 3 કે તેથી વધુ બાળકોનો જન્મ થતો હોય છે તેમાં સેક્સ રેશિયો 113 પુત્રની સામે 100 પુત્રીઓ હોવાનું સામે આવ્યું હતું. બ્રિટનમાં માન્ય રેશિયોની લિમિટ 107 છે. ભારતીય પરિવારોમાં થયેલા 15,401 બાળકના જન્મના આધારે આ આંકડો આપવામાં આવ્યો છે.
આજ સમયગાળામાં સમગ્ર યુકેમાં 3.6 મિલિયન બાળકોનો જન્મ થયો હતો જેમાં 105.4 પુત્ર અને 100 પુત્રીનો જન્મ થયો હતો. જે સામાન્ય ગ્લોબલ રેન્જ 102થી 106 વચ્ચે મર્યાદિત હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંકડા દર્શાવે છે કે સેક્સ સિલેક્ટિવ એબોર્શન કરાવવામાં આવી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાંચ વર્ષના સમયગાળામાં બેથી વધુ બાળક ધરાવતા બ્રિટિશ ભારતીય પરિવારોમાં 400 કન્યા ભૃણ હત્યા કરાઇ હતી. 2017થી 2021 વચ્ચે ભારતીય મૂળની મહિલાઓ સહિત 13,843 મહિલાઓએ એબોર્શન કરાવ્યા હતા.
સાઉથ એશિયામાં પુત્ર મોહ અત્યંત પ્રચલિત છે જેની અસર બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના પરિવારોમાં પણ જોવા મળી રહી છે.


