NHS દ્વારા પેશન્ટ રેકોર્ડ્સનું વેચાણ યથાવતઃ
લંડનઃ એક અભ્યાસ અનુસાર નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા ૫૦,૦૦૦થી વધુ લોકોના મેડિકલ રેકોર્ડ્સ વીમા કંપનીઓ અને યુનિવર્સિટીઓમાં કામ કરતા એકેડેમિક્સને કોઈ કાનૂની સુરક્ષા વિના જ પૂરા પાડવામાં આવ્યા હતા. હજારો પેશન્ટ્સના રેકોર્ડ્સ ગેરકાયદે વેચાણ કરાયા હોવાનું આ મહિના લાંબી તપાસમાં બહાર આવ્યાં છતાં આરોગ્ય સેવાએ વીમા કંપનીઓ તથા અન્ય ત્રીજા પક્ષોને મેડિકલ ડેટાનું વેચાણ ચાલુ રાખવા નિર્ણય લીધો છે.
દર્દીઓની વિગતોનો દુરુપયોગ થાય છે અને તેનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચિંતા આ વર્ષની શરૂઆતમાં વ્યક્ત કરાયા પછી સરકારે આવા ડેટાની વિગતો મેળવવાની સુવિધાને નિયંત્રિત કરતો કાનૂની સુધારો પણ કર્યો હતો.
પેરાસીટામોલ પાછળ NHSનો £૮૦ મિલિયનનો ખર્ચઃ
લંડનઃ દર વર્ષે NHS દ્વારા સાદી પીડાશામક ગોળીઓ માટે ૨૦ મિલિયનથી વધુ પ્રીસ્ક્રિપ્શન અપાય છે. સુપરમાર્કેટ્સમાં માત્ર ૧૯ પેન્સની નજીવી કિંમતે મળતી પેરાસીટામોલ નામની દવા માટે NHS દ્વારા આ વર્ષે ૨૨ મિલિયન પ્રીસ્ક્રિપ્શન આપવામાં આવ્યા હતા અને તેની પાછળ કરદાતાઓનાં ૮૦ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ કર્યો હતો.
સાદી પેઈનકિલર ગોળીઓ માટે સરેરાશ ૨૦ ગણો ખર્ચ દેશની હેલ્થ સિસ્ટમ દ્વારા કરાયો હતો. પેરાસીટામોલના પ્રતિ પ્રીસ્ક્રિપ્શન પાછળ સરેરાશ ૩.૬૭ પાઉન્ડનો ખર્ચ થયો છે.