લંડન, તિરુવનંતપુરમઃ પાકિસ્તાની મૂળની ૩૪ વર્ષીય બ્રિટિશ મહિલા મરિયમ ખાલિકે બે વર્ષથી ગૂમ થયેલા ભારતીય પતિ કુન્નુમબાથ નૌશાદ હુસેનને શોધીને તેનાથી તલાક લીધા હતા. પ્રેમસંબંધ પછી બન્નેએ ૨૦૧૩માં નિકાહ કર્યા હતા અને એક વર્ષ સુધી સાથે પણ રહ્યા હતા. નૌશાદ મરિયમને છોડીને ભારત આવી ગયા પછી પરત ફર્યો ન હતો. તેણે બ્રિટનના કાયમી વિઝા મેળવવા માટે જ મરિયમ સાથે નિકાહ કર્યા હતા
મરિયમનો પરિચય સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતા ૩૪ વર્ષીય નૌશાદ હુસેન સાથે ફેસબુક પર થયો હતો. ૨૦૧૩માં નિકાહ અને એક વર્ષ સાથે રહ્યા પછી નૌશાદે લગ્ન બાબતે પેરન્ટ્સને મનાવી લીધા બાદ બ્રિટન પરત આવશે તે મરિયમને કહ્યું હતું. મરિયમે જણાવ્યું હતું કે નૌશાદે તેને કેરળ લઈ જઈને ફરીથી વિધિસર લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
નૌશાદ પરત ન આવતા મરિયમે ભારત આવીને નૌશાદને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો હતો. પરંતુ, નૌશાદ કેરળના ચાવક્કડ નજીકના અકાલડનો રહેવાસી હોવાની જાણકારી સિવાય પુરું સરનામું ન હતું. મરિયમે સ્થાનિક સામાજિક સંસ્થાની મદદથી નૌશાદનું ઘર શોધી કાઢ્યું. મરિયમ જાન્યુઆરી, ૨૦૧૫માં પહેલી વખત કેરળમાં નૌશાદના ઘરે પહોંચી ત્યારે નૌશાદે તેને મિત્ર સુદ્ધાં માનવાનો ઈનકાર કરતા મરિયમે નૌશાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક કોર્ટે મરિયમ તેના પતિના ઘરમાં રહેવા માટે હક્કદાર હોવાનો આદેશ આપ્યો. નૌશાદના પરિવારજનો મરિયમ સાથે ગાળાગાળી અને દુર્વ્યવહાર કરતા હતા.
મરિયમ ઓક્ટોબર ૨૦૧૫માં ફરી ભારત આવી હતી તે દરમિયાન નૌશાદે અન્ય મહિલા સાથે નિકાહ પઢી લીધા હતા. નૌશાદની બીજી પત્નીના પરિવારજનો તેને તલાક લેવા અને પોલીસકેસ પાછો ખેંચવા બદલ વળતર આપવા તૈયાર હતા. મરિયમ લંડનમાં પોતાના લગ્ન રદ કરાવ્યા બાદ ગત ૧૯ જાન્યુઆરીએ ત્રીજી વખત કેરળ આવી હતી. મરિયમે જણાવ્યું હતું કે નૌશાદે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા છે તેથી બીજા લગ્નનો કેસ લડવાનો ખાસ અર્થ રહેતો ન હોવાથી તેણે કોર્ટ બહાર સમાધાન કરી લીધું.
અગાઉ અબુધાબીમાં રહેલા નૌશાદે જણાવ્યું હતું કે બ્રિટનના કાયમી વિઝા મેળવવા માટે જ તેણે મરિયમ સાથે નિકાહ કર્યા હતા. તે ૨૦૧૦માં બે વર્ષના વિઝા પર બ્રિટન ગયો હતો. વિઝાની મુદત પૂરી થવા આવતા વિઝા લંબાવવા તેની પાસે લગ્ન જ એકમાત્ર ઉપાય હતો. તેણે મરિયમ સાથે રહેવા માગતો ન હોવાનું જણાવ્યા છતાં, મરિયમે આ સંબંધને ગંભીરતાથી લીધો હતો અને ત્યાંથી ભાગી આવવા સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો.