લંડનઃ બ્રિટિશ સંરક્ષણ દળોમાં મહિલાઓની કનડગત- પજવણી કરાતી હોવાનો હાઉસ ઓફ કોમન્સની લશ્કરી દળોમાં મહિલાઓ સંબંધિત ડિફેન્સ સબ કમિટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે. બ્રિટિશ આર્મીની ૬૪ ટકા પૂર્વ અને ૫૮ ટકા વર્તમાન મહિલા અધિકારીઓએ તેમણે મિલિટરીમાં કારકિર્દી દરમિયાન પજવણી, સતામણી અને ભેદભાવનો સામનો કર્યો હોવાનું સ્વીકાર્યુ હતું.
યુકેની મિલિટરી સર્વિસમાં ફરજ બજાવતી મહિલાઓની કુશળતાનો ઉપયોગ કરવા અને તેમના દ્વારા ઝીલવામાં આવતા પડકારો અને મુશ્કેલીઓનો તાગ મેળવવા હાઉસ ઓફ કોમન્સ દ્વારા રચાયેલી સબ-કમિટી દ્વારા કરાયેલા સર્વે માટે ૩,૦૦૦ વર્તમાન અને પૂર્વ અધિકારીઓને કરાયેલા પ્રશ્નો અને તેમના ઉત્તરોના આધારે રિપોર્ટ તૈયાર કરાયો હતો. રિપોર્ટમાં ૮૪ ટકા મહિલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, નોકરી દરમિયાન પુરુષ અધિકારીઓની સરખામણીએ તેમણે વધુ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બીજી તરફ, પૂર્વ મહિલા ઓફિસરોએ અધિકારીઓએ વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે એક સમયે યુકેનાં લશ્કરી દળોમાં સ્ત્રીઓ માટે અતિ વિકટ પરિસ્થિતિ હતી. જેમાં ધાકધમકી, રુક્ષ વ્યવહાર અને પજવણી કે સતામણીનો શિકાર બનવું પડતું હતું. કેટલાંક કિસ્સાઓમાં ગંભીર જાતીય સતામણી અને બળાત્કાર થયાની ઘટનાઓ પણ બહાર આવી છે.
આ રિપોર્ટમાં પાર્લામેન્ટરી કમિટીએ સંસદીય સમિતિએ મહિલા અધિકારીઓની ફરિયાદો સાંભળવાના વિભાગને વધુ સજ્જ બનાવવા સાથે તેમની અપીલ્સના નિકાલનો સમયગાળો છ મહિનાથી ઘટાડી બે મહિનાનો કરવા ભલામણ કરી છે. સબ કમિટીના ચેરમેન અને પીઢ અધિકારી સારાહ એથરટનના જણાવ્યા મુજબ સીનિયર અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા અને કારકિર્દીનું રક્ષણ કરવા આવી ફરિયાદોને દબાવી રાખતા હોવાના પણ આક્ષેપો પણ કરાયા છે.
કમિટીના સર્વેને પ્રતિભાવ આપતાં મોટા ભાગની મહિલા ઓફિસરોએ જણાવ્યું હતું કે મિલિટરી દ્વારા તેમની સમસ્યાઓનો નિકાલ લાવવા પૂરતી કામગીરી કરાઈ નથી કારણકે ૧૦માંથી ૬ મહિલાએ ધાકધમકી, કનડગત અને ભેદભાવના અનુભવોની ફરિયાદ પણ કરી નથી. જેમણે ફરિયાદ કરી હતી તેમાંથી એક તૃતીઆંશ મહિલાએ નબળો અનુભવ રહ્યાનું જણાવ્યું હતું.
================