લંડનઃ હાઉસ ઓફ કોમન્સના રિપોર્ટ અનુસાર સમાજના બાકીના હિસ્સા કરતા બ્રિટિશ મુસ્લિમોમાં બેકારીનું પ્રમાણ બમણાથી વધુ છે એટલે કે ૧૨.૮ ટકા બ્રિટિશ મુસ્લિમો બેકાર છે અને તેમાંથી પણ બેકાર સ્ત્રીઓનું પ્રમાણ ૬૫ ટકા જેટલું છે. યુકેમાં બેકારીનું સરેરાશ પ્રમાણ ૫.૪ ટકા છે.
યુકેની ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મુસ્લિમોની સંખ્યા ૨.૭૦૬, ૦૬૬ હતી, જે કુલ વસ્તીના ૪.૫ ટકા હતી. બ્રિટિશ મુસ્લિમોના ૧૨.૮ ટકા લોકો બેકાર છે, જેમાંથી ૬૫ ટકા હિસ્સો સ્ત્રીઓનો છે. સાંસદોની સમિતિ વિમેન એન્ડ ઈક્વલિટિઝ સિલેક્ટ કમિટીએ આ માટે પુરુષપ્રધાન પરિવાર વ્યવસ્થા અંશતઃ દોષિત હોવાનું જણાવ્યું છે.
એકસમાન શૈક્ષણિક સ્તર અને ભાષાકીય કૌશલ્ય હોવાં છતાં શ્વેત ક્રિશ્ચિયન મહિલાની સરખામણીએ મિસ્લિમ મહિલા બેકાર હોવાની શક્યતા ૭૧ ટકા વધુ છે. આ ઉપરાંત, જે મુસ્લિમો નોકરી કરે છે તેમને પણ અલગ ધર્મના શ્વેત વર્કરોની સરખામણીએ ઓછું વેતન ચુકવાય છે. સાંસદોએ વધુ મુસ્લિમોને કામે લગાવવા તેમજ અસમાનતા ઘટાડવાના હેતુસર કાર્યક્રમો ઘડવા જોબસેન્ટ પ્લસના સ્ટાફને અનુરોધ કર્યો છે. કમિટીએ સરકારને તેની યોજનાની રુપરેખા જાહેર કરવા આ વર્ષના અંત સુધીનો સમય આપ્યો છે.


