લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ‘સેલીબ્રેટિંગ ગણેશા’ નામે પ્રવાસી પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં ઓરિસામાં કોતરણી કરાયેલી ભગવાન ગણેશની ૧૩મી સદીની ૧૧૯ સેન્ટિમીટર ઊંચાઈની શિલ્પપ્રતિમા ઉપરાંત, ગણેશજીની વિવિધ કાષ્ઠપ્રતિમાઓ અને પેઈન્ટિંગ્સ દર્શાવવામાં આવશે.
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને ડહાપણના ભંડાર, વિઘ્નહર્તા ગણાય છે અને કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરતા પહેલા તેમની પૂજા-સ્મરણ કરવામાં આવે છે. આ પ્રદર્શન બ્રેડફર્ડ કાર્ટરાઈટ હોલ (જાન્યુઆરી ૧૬થી મે ૧૫), કાઉન્ટી ડરહામ બોવેસ મ્યુઝિયમ (મે ૨૧થી સપ્ટેમ્બર ૧૮), બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી (સપ્ટેમ્બર ૨૪થી જાન્યુઆરી ૦૨, ૨૦૧૭), લંડનમાં હોર્નિમાન (જાન્યુઆરી ૦૭થી એપ્રિલ ૨૩, ૨૦૧૭) અને લંડન બ્રેન્ટ મ્યુઝિયમ (મે-ઓગસ્ટ ૨૦૧૭) ખાતે યોજાશે. લંડનમાં વડુ મથક ધરાવતા બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના ૧૭૫૩માં થઈ હતી, જ્યાં વિશ્વભરની સંસ્કૃતિઓને સાંકળતી ૮૦ લાખથી વધુ ચીજવસ્તુ જોવાં મળે છે.


