લંડનઃ નાગરિક સંસ્કૃતિ પર ભારતના પ્રભાવને માન્યતા આપતાં બ્રિટિશ મ્યુઝિયમે ગ્રીસ અને ઇજિપ્તની 80 અમૂલ્ય વસ્તુઓ મુંબઇ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયમાં મોકલી આપી છે. આ કિંમતી વસ્તુઓમાં ઇજિપ્તના નદી અને હોડી, હળ ખેંચતો બળદના શિલ્પ અને ઇ.સ.પૂર્વે 2200ના મનાતી સુમેરિયન પ્રતિમાઓનો સમાવેશ થાય છે.
બ્રિટિશ મ્યુઝિયમના ડિરેક્ટર નિકોલસ કુલિનને જણાવ્યું હતું કે, હું વિવાદાસ્પદ કલાકૃતિઓને 3 વર્ષ માટે લોન પર આપીને માલિકીના વિવાદને નાબૂદ કરવા ઇચ્છુ છું. આ પ્રકારની ક્લચરલ ડિપ્લોમસી દ્વારા ઘણા લાભ થશે. બધા મ્યુઝિયમોએ આમ કરવું જોઇએ. અમે એક સકારાત્મક મોડેલ વિકસાવી રહ્યાં છીએ અને તે નવા પ્રકારનું જ છે. દરેક કિસ્સામાં મામલો અલગ પ્રકારનો છે તેથી તમે બે અલગ અલગ કલ્ચર માટે સમાન માપદંડ અપનાવી શકો નહીં. કેટલાક કિસ્સા જટિલ છે પરંતુ અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.
આમ તો 1963ના કાયદા અંતર્ગત બ્રિટિશ મ્યુઝિયમ કાયદેસર રીતે કલાકૃતિઓ ખસેડી શક્તું નથી. કેટલીક કલાકૃતિઓ પરત કરવાની માગને નકારી પણ કઢાઇ છે પરંતુ મ્યુઝિયમનું કહેવું છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ.
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયના ડિરેક્ટર જનરલ સબ્યસાચી મુખરજીએ જણાવ્યું હતું કે, મુંબઇને કલાકૃતિઓ લોન પર આપવાથી ભારતના સંસ્થાનવાદી ખોટા અર્થઘટનને સુધારી શકાશે. અમે ઘણા વર્ષો સહન કર્યું છે. સંસ્થાનવાદે અમારા શિક્ષણ અને કલ્ચરમાં પણ સેંધમારી કરી હતી.


