બ્રિટિશ યુદ્ધજહાજ પર રશિયન ગોળાબારીઃ સંબંધોમાં તણાવ સર્જાયો

Wednesday 30th June 2021 06:39 EDT
 
 

લંડનઃ રશિયન જહાજ દ્વારા રોયલ નેવીના જહાજ પર ગોળાબારીની ૨૩ જૂનની નાટ્યાત્મક ઘટના પછી લંડન અને મોસ્કો વચ્ચેના સંબંધો તદ્દન તળિયે પહોંચ્યા છે. બ્લેક સી (કાળા સમુદ્ર)ના ક્રીમિયાના કાયદેસર પ્રાદેશિક જળક્ષેત્રમાં પ્રવેશેલા યુકેના HMS Defenderના ડેક પરથી રશિયન ગોળાબારીના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. રશિયાએ આ જળક્ષેત્રને પોતાની જળસીમા હસ્તક ગણાવી બ્રિટિશ યુદ્ધજહાજો પર બોમ્બમારાની ચેતવણી આપી છે.

વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે બ્રિટિશ વોરશિપ HMS Defender કાયદેસર ક્રીમિયાથી દૂર જળક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. યુકે તેના પર રશિયાના ગેરકાયદે સાર્વભૌમત્વ દાવાને સ્વીકારતું નથી અને યુક્રેનને સમર્થન કરે છે. રશિયાની ચેતવણી છતાં બ્રિટિશ મિનિસ્ટર જ્યોર્જ ઇસ્ટીસે રશિયાના આક્રમણના દાવાઓને સ્ટન્ટ ગણાવી જણાવ્યું હતું કે અલબત્ત રોયલ નેવીના યુદ્ધજહાજો ક્રિમિયાની આસપાસના વિવાદિત જળપ્રદેશોમાંથી પસાર થવાનું જાળવી રાખશે. અમે ક્રિમિયાને જોડી દેવાયાના દાવાને ક્યારેય સ્વીકારીશું નહિ, આ જળવિસ્તાર યુક્રેનિયન પ્રદેશનો છે.

રશિયન અધિકારીએ બ્રિટિશ યુદ્ધજહાજોને ચેતવણી આપી છે કે હવે પછી જો તેઓ રશિયાની જળસીમામાં પ્રવેશ કરશે તો તેમના પર બોમ્બ ફેંકવામાં આવશે. નોંધનીય છે કે બુધવારે બ્રિટિશ ટાઇપ ૪૫ ડિસ્ટ્રોયર HMS ડિફેન્ડર બ્લેક સીમાં કેપ ફિઓલેન્ટ નજીક ક્રિમિયાની ૧૨ માઇલની મર્યાદાની અંદર પ્રવેશી ગયું હતું અને તેના પર રશિયાએ વોર્નિંગ શોટ છોડયા હતા. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન વિમાને ચાર શક્તિશાળી હાઈ એક્સ્પ્લોઝિવ બોંબ ફેંક્યા હતા. રશિયા તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે જ્યારે પશ્ચિમ જગત તેને આંતરરાષ્ટ્રીય જળવિસ્તાર કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter