લંડનઃ સરકાર દ્વારા વિઝા નિયમોમાં કરવામાં આવેલા આકરા સુધારાને પગલે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીઓએ ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને બાંગ્લાદેશ સહિતના વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાનું શરૂ કર્યું છે. વિદેશી વિદ્યાર્થીઓની ભરતી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાવાની આશંકા વચ્ચે શિક્ષણ સંસ્થાઓ આગોતરી કાર્યવાહી કરી રહી છે.
1 જૂનથી અમલી નવા નિયમો મુજબ યુનિવર્સિટીઓ માટે વિઝા રિફ્યુઝલનો દર 10 ટકાથી ઘટાડીને 5 ટકાની અંદર રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કોઈ યુનિવર્સિટી સતત આ મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રપોઝ કરવાનું સ્પોન્સરશિપ લાયસન્સ પણ ગુમાવી શકે છે. આ જોખમ ટાળવા માટે, યુનિવર્સિટીઓ એવા અરજદારોના એડમિશન રદ કરી રહી છે જેમના વિઝા નકારાવાની શક્યતા વધુ જણાય છે.
બીજી તરફ, બ્રિટન સરકારના ઇમિગ્રેશન અને સિટિઝનશિપ મિનિસ્ટર માઇક ટેપે સ્પષ્ટ કર્યું છે કે ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ રોકવા કડક દેખરેખ જરૂરી છે. સાચા વિદ્યાર્થીઓનું યુકેમાં હંમેશા સ્વાગત છે, પરંતુ સ્ટડી વિઝાનો ઉપયોગ ગેરકાયદેસર રોજગાર અથવા અસાયલમ મેળવવાના માર્ગ તરીકે થવો જોઈએ નહીં.
ભારતીય વિદ્યાર્થીઓને જારી કરાતા વિઝામાં 16 ટકાનો ઘટાડો
સરકારે ઇમિગ્રેશન નિયમો વધુ કડક બનાવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે દેશમાં અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે. યુકે હોમ ઓફિસના આંકડા અનુસાર, ઓગસ્ટ 2026માં પૂરા થતા વર્ષ દરમિયાન સ્પોન્સર્ડ સ્ટડી વિઝા અરજીઓમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ભારતીય વિદ્યાર્થીઓને અપાતા વિઝામાં પણ જૂન મહિના સુધીમાં 16 ટકાનો ઘટાડો થયો છે.

