લંડનઃ છેલ્લા ઘણા વર્ષોથી બ્રિટિશ યુનિવર્સિટીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આધારિત બની ગઇ હતી પરંતુ હવે કેટલીક યુનિવર્સિટીઓ બે દેશોના વિદ્યાર્થીઓ માટે શટર પાડી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી સૌથી વધુ અરજીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓને મળે છે પરંતુ હવે તેમને પ્રવેશ બંધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીઓ કોઇ ભેદભાવના કારણે નહીં પરંતુ હોમ ઓફિસના નિયમોના ઉલ્લંઘનના ભયથી આમ કરી રહી છે.
હોમ ઓફિસના આકરા નિયમોના કારણે હાઇ વિઝા રિફ્યુઝલ રેટ ધરાવતા દેશોના વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવું જોખમી બની રહ્યું છે તેના કારણે યુકેની કેટલીક યુનિવર્સિટીઓએ પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની એડમિશન માટેની અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું છે.
યુનિવર્સિટીઓ માટે તેમનું સ્ટુડન્ટ સ્પોન્સર લાયસન્સ જાળવવા હોમ ઓફિસના આકરા નિયમોનું પાલન અત્યંત જરૂરી બની ગયું છે. સુધારેલા નિયમો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર કરાયેલ પાંચ ટકાથી વધુ વિઝા અરજીઓ નકારાવી જોઇએ નહીં. પહેલા આ મર્યાદા 10 ટકાની હતી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો વિઝા રિફ્યુઝલ રેટ અનુક્રમે 18 અને 22 ટકા છે. યુનિવર્સિટીઓ દ્વારા કરાયેલા સ્પોન્સર પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો રિફ્યુઝલ રેટ યથાવત રહે તો યુનિવર્સિટીઓને પ્રતિબંધ અને લાયસન્સ ગુમાવવાના જોખમનો સામનો કરવો પડી શકે છે.

