બ્રિટિશ યુનિવર્સિટીઓએ પ્રવેશ માટે નિયમો હળવા કર્યાં, ભારતીયોને લાભ

ભારતીય વિદ્યાર્થીઓને હવે ‘બી” અને 'સી' ગ્રેડ સાથે પણ પ્રવેશ મળી શકશે

Tuesday 16th April 2024 10:14 EDT
 

લંડનઃ બ્રિટનની કેમ્બ્રિજ, ઑક્સફર્ડ અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ જેવી 70 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ નિયમોમાં ફેરફાર કરીને 20 હજાર ભારતીય વિદ્યાર્થીનો પ્રવેશ સરળ કર્યો છે. આ યુનિવર્સિટીએ ઑગસ્ટમાં શરૂ થનારા સત્રમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે બેઠકો વધારવા સાથે ગ્રેડિંગમાં પણ ઉદારતા દાખવતા નવા નિયમો લાગુ કર્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને હવે ‘બી” અને 'સી' ગ્રેડ સાથે પણ પ્રવેશ મળી શકશે. ગત વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં યુનિવર્સિટીઓને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાથી યુનિવર્સિટીએ આ પગલું લીધું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય વિદ્યાર્થી માટે વિઝા ફીમાં વધારો અને પરિવારને ન લાવવાના કડક નિયમો ઘડ્યા હતા.

ભારતીય વિદ્યાર્થીઓને કારણે બ્રિટનના અર્થતંત્રને પણ લાભ, ટેલેન્ટ પૂલમાં વધારો થાય છે । હર્ટફર્ડશાયર યુનવિર્સિટીના કુલપતિ પ્રો. વિંટિન મૅકકેલરે ભાસ્કરને જણાવ્યું હતું કે પીએમ સુનકે ભલે ઇમિગ્રેશન મુદ્દે વિઝાના નિયમો કડક કર્યા હોય પરંતુ તેઓ ભૂલી ગયા છે કે ભારતીય વિદ્યાર્થીઓને કારણે અર્થતંત્રને પણ લાભ થાય છે.

બ્રિટિશ યુનિ.એ એજન્ટ્સની સંખ્યા 100થી વધારીને 500 કરી

ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી બ્રિટનની યુનિવર્સિટીને ફીપેટે સૌથી વધુ આવક થતી હતી. બ્રિટનના વિદ્યાર્થીની ફીપેટે વાર્ષિક 9.25 લાખ રૂપિયા જ્યારે ભારતીય વિદ્યાર્થી લગભગ 22 લાખ રૂપિયા ચૂકવતા હતા. આ જોતાં આ વખતે બ્રિટનની 70 યુનિવર્સિટીએ ભારતમાં પોતાના એજન્સ્ટની સંખ્યા 100થી વધારીને 500 કરી છે. આ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને લોન પર કમિશન પણ આપે છે. ગયા વર્ષે ડરહમ યુનિવર્સિટીએ એજ્યુકેશન એજન્ટોને સૌથી વધુ લગભગ 55 કરોડ રૂપિયા કમિશનપેટે આપ્યા હતા. આ વખતે બ્રિટિશ યુનિવર્સિટીએ ભારતના પૂર્વોત્તર અને પશ્ચિમી રાજ્યોમાં પોતાના એજન્સ્ટ વધાર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter