લંડનઃ બ્રિટનની અગ્રણી યુનિવર્સિટીઓને મોટાભાગની આવક વિદેશી વિદ્યાર્થીઓની ફીમાંથી થઇ રહી છે. બ્રિટનની યુનિવર્સિટીઓ અસ્તિત્વ જાળવી રાખવા વિદેશી વિદ્યાર્થીઓની ફીમાંથી થઇ રહેલી આવક પર નભી રહી છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિતની મોટી સંખ્યામાં બ્રિટિશ યુનિવર્સિટીઓને બ્રિટિશ વિદ્યાર્થીઓ પાસેથી મળતી ફીનું પ્રમાણ ઘણું ઓછું છે. કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની કુલ ફીની આવકમાં 75 ટકા કરતાં વધુનો હિસ્સો તો વિદેશી વિદ્યાર્થીઓની ફીનો છે.
તેના કારણે જ યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં આકર્ષવાની ક્ષમતાને સફળતાનો સંકેત માની રહી છે પરંતુ સાથે ચેતવણી પણ આપે છે કે તેમની પાસે વિદેશી વિદ્યાર્થીઓ પર આધારિત રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ નથી કારણ કે સરકારે છેલ્લા એક દાયકાથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની ફી પર મર્યાદા લાદી રાખી છે.
વાઇસ ચાન્સેલરો શિક્ષણ ક્ષેત્રે બ્રિટનની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે ભંડોળ પુરું પાડવા હાયર એજ્યુકેશનમાં ધરમૂળથી બદલાવની માગ કરી રહ્યાં છે જેથી શિક્ષણ સંસ્થાઓને નાદાર થતી બચાવી શકાય. છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.