બ્રિટિશ યુનિવર્સિટીઓની માઠી બેઠીઃ વિદેશી વિદ્યાર્થીઓની અરજીમાં 40 ટકાનો ઘટાડો

પોસ્ટ ગ્રેજ્યુએટની અરજીમાં 55 ટકા અને અંડરગ્રેજ્યુએટની અરજીમાં 23 ટકાનો ઘટાડો

Tuesday 16th July 2024 11:59 EDT
 

લંડનઃ આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થતા અભ્યાસક્રમોમાં અરજી કરનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતા યુકેની યુનિવર્સિટીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે. અગાઉની સુનાક સરકાર દ્વારા લડાયેલા વિઝા નિયંત્રણોના પગલે સ્પોન્સર્ડ સ્ટડી વિઝા મટેની અરજીઓની સંખ્યામાં 40 ટકા જેવો તોતિંગ ઘટાડો થયો છે. જૂન 2023માં હોમ ઓફિસને સ્ટુડન્ટ વિઝા માટે 38,900 અરજી મળી હતી જેની સામે જૂન 2024માં આ સંખ્યા ઘટીને 28,200 પર આવી ગઇ છે.

મોટાભાગની સ્ટુડન્ટ વિઝાની અરજીઓ ઊનાળા માટે મળી છે. ઘણી યુનિવર્સિટીઓને આશા છે કે સપ્ટેમ્બરમાં સ્થિતિમાં સુધારો થશે પરંતુ તાજેતરમાં પ્રાપ્ત થયેલા આંકડા કહે છે કે એજ્યુકેશન સેક્ટરનો સંઘર્ષ જારી જ રહેશે.

યુનિવર્સિટીઓમાં એનરોલમેન્ટ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી સર્વિસ એનરોલીના જણાવ્યા અનુસાર આંકડા દર્શાવે છે કે યુકેની 31 યુનિવર્સિટીમાં જુલાઇના અંત સુધીમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા ડિપોઝિટ અને એસેપ્ટન્સમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર્સ અભ્યાસક્રમોમાં 2023ની સરખામણીમાં 55 ટકાનો ઘટાડો જોવા મળ્યો છેચ અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની અરજીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાક સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે જાન્યુઆરી 2024થી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમના આશ્રિત કે પરિવારજનને યુકેમાં બોલાવી શક્તાં નથી.

એજન્સીઓ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી

એજન્સીઓ દ્વારા લંડનમાં આવેલી હોવાનું કહી વિદેશી વિદ્યાર્થીઓ પાસે બ્રિટનની પ્રાદેશિક યુનિવર્સિટીઓમાં અરજી કરાવાતી હોવાનો ખુલાસો થયો છે. કેટલીક એજન્સીઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીમાં અરજી કરવા પેટે 500 પાઉન્ડ સુધીની રકમ પણ પડાવતી હોવાનું સામે આવ્યું છે. તેઓ યુનિવર્સિટીના સ્થાન, રેન્કિંગ અને અભ્યાસક્રમો મુદ્દે પણ વિદેશી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી હોય છે. યુનિવર્સિટીમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter