લંડનઃ સાઉદી અરેબિયામાં બ્રિટિશ એમ્બેસેડર સિમોન કોલીસે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેમણે પોતાની સીરિયન મુસ્લિમ પત્ની હુડા અલ-મુજારકેચ સાથે મક્કાની હજ પણ કરી હતી. ઈસ્લામ ધર્મ અંગીકાર કરી હજ કરનારા ૬૦ વર્ષીય કોલીસ પ્રથમ બ્રિટિશ વરિષ્ઠ રાજદ્વારી છે. તેમણે મુસ્લિમ સમાજોમાં ૩૦ વર્ષ વીતાવ્યા પછી ધર્મપરિવર્તનનો નિર્ણય લીધો હતો.
સિમોન કોલીસે ૨૦૦૭થી ૨૦૧૨ સુધી સીરિયામાં બ્રિટનના એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. તેમણે ઈરાક, કતારના એમ્બેસેડર તેમજ યુનાઈટેડ આરબ એમિરેટ્સ, યેમેન, ભારત અને ટ્યુનિશિયામાં વરિષ્ઠ રાજદ્વારી તરીકે પણ સેવાઓ આપી છે. વર્તમાન સીરિયન પત્ની સાથે લગ્ન કરવા અગાઉ તેમણે ૨૦૧૧માં ગુપ્તપણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. મુસ્લિમ સ્ત્રી સાથે લગ્ન કરવા પુરુષે ઈસ્લામ ધર્મ અપનાવવો ધાર્મિક જરુરિયાત ગણાય છે. ઘણા બ્રિટિશ મહાનુભાવોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યા પછી મુસ્લિમ નામ પણ અપનાવ્યું છે, પરંતુ ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર કોલીસ પોતાનું ઈંગ્લિશ નામ બદલવાના નથી.
ધ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસે એમ્બેસેડર કોલીસે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યાને સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે તેમનો ધર્મ એ અંગત બાબત છે.


