બ્રિટિશ રાજના દુષ્કૃત્યો બદલ ક્વીન માફી માગેઃ શશી થરુર

Wednesday 15th March 2017 07:09 EDT
 
 

લંડનઃ ભારતીય રાજકારણી અને વર્તમાન કોંગ્રેસી સાંસદ તેમજ પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે તેમના નવા પુસ્તક ‘Inglorious Empire: What the British did to India’માં ૧૭૫૭થી ૧૯૪૭માં ભારતની આઝાદી સુધીના વર્ષોમાં બ્રિટિશ શાસને જે કાંઈ કર્યું તેનું પ્રાયશ્ચિત કરવા ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ભારતીય પ્રજાની સ્પષ્ટ માફી માગવી જોઈએ તે સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા છે. અમૃતસર હત્યાકાંડ, ૩૫૦ લાખ ભારતીયોને દુકાળના ખપ્પરમાં હોમી દેવાની બ્રિટિશ ચાલનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે.

કેરળના તિરુવનંતપૂરમના સાંસદ શશી થરુરે બ્રિટિશ રાણી દ્વારા માફી માગવાને ૨૦૧૯નું વર્ષ યોગ્ય ગણાવ્યું છે. બ્રિટિશ કર્નલ રેજિનાલ્ડ ડાયરે ૧૩ એપ્રિલ ૧૯૧૯ના દિવસે પંજાબમાં અહિંસક વિરોધ કરવા એકત્ર થયેલા નિઃશસ્ત્ર દેખાવકારો પર ગોળીઓ વરસાવી ૩૭૯ નિર્દોષ સ્ત્રી, પુરુષ અને બાળકોને મોતને ગાટ ઉતારી દીધાં હતાં. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. થરુર કહે છે કે આ હિચકારું કૃત્ય ‘ક્રાઉન’ના નામે કરાયું હોવાથી ક્વીને જ તેની માફી માગવી જોઈએ.

બ્રિટન દ્વારા ભારતને અપાતી વિદેશી સહાયની હાંસી ઉડાવતા થરુર કહે છે કે ૨૦૦ વર્ષના બ્રિટિશ શાસનમાં ભારતે બ્રિટનને જે આપ્યું છે તેની સરખામણીએ આ સહાય નગણ્ય છે. પ્રથમ વિશ્વ યુદ્ધનું જ ઉદાહરણ લઈએ તો ભારતે બ્રિટન માટે સૈનિકો, અનાજ, દવાઓ અને પ્રાણીઓ સહિત જે આપ્યું તેની વર્તમાન કિંમત ૮૦ બિલિયન પાઉન્ડ થવા જાય છે. અને ભારતની આઝાદીના ૭૦ વર્ષમાં જે સમગ્ર વિદેશી સહાય અપાઈ છે તે આની સરખામણીએ કશું જ નથી.

થરુરે તેમના પુસ્તકમાં બ્રિટને ભારતને ભાષા, વહીવટ, સામાજિક સભ્યતા અને ક્રિકેટ સહિતની બાબતો આપી હોવાની દલીલોનો છેદ પણ ઉડાવ્યો છે. તેમણે કહ્યું છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં દુકાળ અને ભૂખમરાથી ૩૫૦ લાખથી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાયાં હતાં. બંગાળમાં ૧૯૪૩ના દુકાળમાં ૧૫થી ૪૦ લાખ લોકોએ જાન ગુમાવ્યાં હતાં. યુદ્ધપ્રયાસોમાં સમગ્ર વિશ્વમાં ખોરાકનું વિતરણ કરાતું હતું પરંતુ બંગાળના લોકોને નજરઅંદાજ કરાયાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter