લંડન
મહારાણી એલિઝાબેથ બીજાને વેલ્શ ગોલ્ડ વેડિંગ રીંગ અને પર્લ ઇયરરિંગ્સ એમ બે જ્વેલરી સાથે દફનાવવામાં આવ્યાં પરંતુ મહારાણી તેમની પાછળ મુગટો અને અંગત ઝવેરાતનો મોટો ખજાનો મૂકી ગયાં છે. જેમાં અત્યાર સુધી મળી આવેલા સૌથી મોટા ડાયમંડમાંથી કાપીને તૈયાર કરાયેલા નવ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. કુલીનન નામનો આ ડાયમંડ દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળી આવ્યો હતો. આ હીરાને ખાણના માલિકનું નામ અપાયું હતું. 1907માં કિંગ એડવર્ડ સાતમાને આ હીરો ભેટમાં અપાયો હતો.
મહારાણી પાસે રહેલા અમૂલ્ય મુગટ અને ઝવેરાત
- ગર્લ્સ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ ટિયારા
મહારાણી એલિઝાબેથ બીજાના દાદીમા ક્વીન મેરીના લગ્નમાં ભેટ આપવા માટે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની કન્યાઓ દ્વારા 5000 પાઉન્ડ એકઠાં કરાયાં હતાં. તેમણે રોયલ જ્વેલર ગેર્રાર્ડ પાસેથી આ મુગટ ખરીદ્યો હતો અને વધેલા નાણા વિધવાઓ અને અનાથોની સહાયમાં દાન આપી દીધાં હતાં. મહારાણી તેને દાદીમાનો મુગટ કહેતા હતા.
- સેન્ટ એડવર્ડનો ક્રાઉન
સેન્ટ એડવર્ડના ક્રાઉન તરીકે ઓળખાતા આ મુગટને કિંગ ચાર્લ્સ બીજાની તાજપોશી માટે 1661માં ફરીવાર તૈયાર કરાયો હતો. તે સમયે આ ક્રાઉન 13000 પાઉન્ડમાં તૈયાર થયો હતો. હવે આ ક્રાઉન કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશીમાં વપરાશે. આ ક્રાઉનમાં 365 ડાયમંડ, 18 રૂબી, નવ નીલમ અને 9 માણેક જડેલાં છે.
- ક્વીન વિક્ટોરિયાનો નેકલેસ અને ઇયરરિંગ્સ
1953માં પોતાની તાજપોશી સમયે મહારાણી એલિઝાબેથે 160 કેરેટ ડાયમંડનો આ નેકલેસ અને ઇયરરિંગ્સ પહેર્યાં હતાં. 28 સ્ટોનમાંથી તૈયાર થયેલા આ ઇયરરિંગ્સ ક્વીન વિક્ટોરિયાના હતાં. 1901માં તેમના નિધન સમયે તેને રાજગાદીને સોંપી દેવામાં આવ્યા હતાં.
- દિલ્હી દરબાર નેકલેસ
કિંગ જ્યોર્જ પાંચમા માટે ક્રાઉન તૈયાર કરનારા ભારતના જ્વેલર્સે તેમની પત્ની મેરી માટે એમેરાલ્ડનો નેકલેસ પણ તૈયાર કર્યો હતો. મેરીએ તેમાં કુલિનન છઠ્ઠો ડાયમંડ લગાવડાવ્યો હતો. મહારાણીએ 1981માં આ નેકલેસ પ્રિન્સેસ ડાયનાને ભેટ આપ્યો હતો જેને તેમણે હેડબેન્ડમાં તબદિલ કરાવી નાખ્યો હતો.
- ગ્રેવિલે પીયર ડ્રોપ ઇયરરિંગ્સ
બ્રિટનની એક અમીર વિધવા ડેમ માર્ગારેટે તેની પાસેનું તમામ ઝવેરાત મહારાણીને ભેટમાં આપી દીધું હતું જેમાં 1938માં તૈયાર કરાયેલા આ ઇયરરિંગ્સનો પણ સમાવેશ થતો હતો. આ ઇયરરિંગ્સ મહારાણી અને પ્રિન્સેસ ડાયના પહેરતા હતા.
- ક્વીન વિક્ટોરિયાના સ્ટડ ઇયરરિંગ્સ
ક્વીન વિક્ટોરિયાએ 1837માં એક તૈલચિત્ર બનાવતી વખતે આ ઇયરરિંગ્સ પહેર્યાં હતાં. ક્વીન એલિઝાબેથને આ ઇયરરિંગ્સ ક્વીન મેરી તરફથી વારસામાં મળ્યાં હતાં.
- રોયલ ફેમિલી ઓર્ડર્સ
રાજવી પરિવારના સભ્યો દ્વારા રાજવીઓને ઘણા ઝવેરાત ભેટમાં અપાતાં હતાં. તેઓ જ્યારે જાહેરમાં આ ઝવેરાત પહેરતાં ત્યારે જ કોઇ તે અંગે જાણી શક્તું હતું. મહારાણી એલિઝાબેથ બીજા તેમના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠા દ્વારા તેમને અપાયેલા ઝવેરાત અવારનવાર પહેરતાં હતાં.
- કિંગ જ્યોર્જ ત્રીજાનો મુગટ
કિંગ જ્યોર્જ ત્રીજાના હીરા જડિત મુગટને પહેલીવાર ક્વીન વિક્ટોરિયાએ પહેર્યો હતો. 1947માં મધર ક્વીને મહારાણીને ફિલિપ સાથેના લગ્ન પ્રસંગે પહેરવા આપ્યો હતો. લગ્નમાં જ મુગટની ફ્રેમ તૂટી જતાં રાજવી જ્વેલર તાત્કાલિક પોલીસ સંરક્ષણ હેઠળ મુગટ રિપેર કરવા લઇ ગયા હતા.
- કુલિનન બ્રોચ
મહારાણી એલિઝાબેથ તેને દાદીમાની ચિપ્સ કહેતાં હતાં. આ બ્રોચ કુલિનન ડાયમંડના કરેલા ટુકડામાંથી તૈયાર કરાયો હતો.મહારાણી આ અમૂલ્ય ઝવેરાતને ભાગ્યે જ પહેરતા હતા.
- કિંગ જ્યોર્જ ચોથાનો મુગટ
કિંગ જ્યોર્જ ચોથાએ તેમની તાજપોશી માટે જાતે આ મુગટની ડિઝાઇન તૈયાર કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમનું મન બદલાઇ જતાં તેમણે ક્યારેય આ મુગટ પહેર્યો નહોતો. પરંતુ ક્વીન વિક્ટોરિયાએ તેમની તાજપોશીમાં આ મુગટ પહેર્યો હતો.
- પ્રિન્સ આલ્બર્ટનો બ્રોચ
1840માં લગ્નના એક દિવસ પહેલા પ્રિન્સ આલ્બર્ટે ક્વીન વિક્ટોરિયાને આ અદ્દભૂત બ્રોચ ભેટમાં આપ્યો હતો. ક્વીન વિક્ટોરિયાએ આ બ્રોચને આગામી તમામ મહારાણીઓ માટે ટ્રસ્ટમાં અલગ મૂકાવ્યો હતો. ક્વીન એલિઝાબેથ બીજા ઘણીવાર આ બ્રોચ પહેરી ચૂક્યાં છે.
- કેમ્બ્રિજ લવર્સ નોટ મુગટ
ક્વીન મેરીએ મહારાણી એલિઝાબેથ બીજાને આ હીરાજડિત મુગટ ભેટમાં આપ્યો હતો. મહારાણીએ ઘણા રાજવી સમારોહમાં આ મુગટ સાથે દેખાયા હતા. 1981માં તેમણે આ મુગટ પ્રિન્સેસ ડાયનાને લગ્નપ્રસંગે ભેટ આપ્યો હતો.
- ગ્રાન્ડ ડચેસ વ્લાદિમીરનો મુગટ
રશિયાના સૌથી અમીર દરબારી ગ્રાન્ડ ડ્યુક વ્લાદિમીરની પત્નીએ આ મુગટ તૈયાર કરાવ્યો હતો. 1917માં રશિયન ક્રાંતિ સમયે આ મુગટને રશિયા બહાર મોકલી દેવાયો હતો જેને ક્વીન મેરીએ ખરીદ્યો હતો અને 1953માં ક્વીન એલિઝાબેથને ભેટ આપ્યો હતો.
- ક્વીન એલેક્ઝાન્ડ્રાનો કોકશનિક મુગટ
1888માં પ્રિન્સ ઓફ વેલ્સે પ્રિન્સેસ ઓફ વેલ્સ એલેક્ઝાન્ડ્રાને લગ્નગાંઠના પ્રસંગે આ મુગટ ભેટમાં આપ્યો હતો. તેઓ પાછળથી કિંગ એડવર્ડ આઠમા અ ક્વીન એલેક્ઝાન્ડ્રા બન્યા હતા.


