લંડનઃ ઓસ્ટ્રેલિયાની સરકારે કિંગ ચાર્લ્સ તૃતીયને દેશના વડા તરીકે જાકારો આપવા અને પોતાને પ્રજાસત્તાક જાહેર કરવા માટેના જનમત સંગ્રહની યોજના પડતી મૂકી છે. સરકાર માને છે કે બંધારણીય સુધારા પર તે વધુ એકવાર પરાજિત થવા ઇચ્છતી નથી. ઓસ્ટ્રેલિયાને પ્રજાસત્તાક દેશ જાહેર કરવા માટેની જવાબદારી સોંપાઇ હતી તેવા મેટ થિસલ્થવેઇટે જણાવ્યું હતું કે સરકારે જનમત સંગ્રહની યોજનાને પડતી મૂકી છે. આ જનમત સંગ્રહ 2025ના પ્રારંભે યોજાવાનો હતો.
ઓક્ટોબર 2023માં ઓસ્ટ્રેલિયાના મૂળભૂત નિવાસીઓને સંસદમાં વિશેષાધિકાર આપવાના મામલે બંધારણીય સુધારો કરવાના લેબર પ્રાઇમ મિનિસ્ટર એન્થની આલ્બેનિઝના પ્રયાસને નિષ્ફળતા મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ પરાજય આલ્બેનિઝ અને તેમની સરકાર માટે ગંભીર ફટકા સમાન હતો. હવે આ જનમત સંગ્રહ ક્યારે યોજાશે તેની ચોક્કસ તારીખ આપવાનો પણ થિસલ્થવેઇટે ઇનકાર કરી દીધો હતો.

