બ્રિટિશ રેલવેઝ ફરી રાષ્ટ્રીયકરણના માર્ગે

Tuesday 30th June 2020 08:54 EDT
 
 

લંડનઃ બ્રિટનના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે વર્તમાન કોરાના વાઈરસ ઈમર્જન્સી પગલાંનો ઉપયોગ કરી રેલવેનું ફરીથી રાષ્ટ્રીયકરણ કરવાની દરખાસ્ત મૂકી છે જેના પરિણામે વર્તમાન ફ્રેન્ચાઈઝ સિસ્ટમનો અંત આવશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીની દરખાસ્ત અનુસાર આ પગલાંથી સરકાર રેલવેના ભાડાં અને ટાઈમટેબલ પર અંકુશ મેળવી શકશે. યુકે રેલવેઝ મુદ્દે સ્વતંત્ર સમીક્ષાના રિપોર્ટમાં આ દરખાસ્તો જાહેર કરવામાં આવી છે. નેટવર્ક રેલને આ કોન્ટ્રાક્ટ્સ આપવા, કેટલી સેવા ચલાવવી તેમજ ઓપરેટર્સ માટે લક્ષ્યાંક સ્થાપિત કરવાની સત્તા અપાય તેવી ધારણા છે.

બોરિસ સરકાર બ્રિટિશ રેલવેનું પુનઃ રાષ્ટ્રીયકરણ કરવા માગે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે દાવો કર્યો છે કે કોરોના મહામારીએ સરકારને અલગ પ્રકારની રેલ્વેના નિર્માણના માર્ગે આગળ વધવાની તક આપી છે. આ પગલાંથી પૂર્વ ટોરી વડા પ્રધાન જ્હોન મેજર દ્વારા સ્થાપિત વર્તમાન ફ્રેન્ચાઈઝ સિસ્ટમનો અંત આવશે. આ યોજના હેઠળ સરકાર ટ્રેઈન ઓપરેટર્સને નિશ્ચિત ફી આપીને તમામ રુટ્સનો કંટ્રોલ મેળવશે, ટાઈમટેબલ્સ તૈયાર કરશે અને ભાડાં ઉઘરાવશે. હાલ ફ્રેન્ચાઈઝ માલિકો ભાડું વસૂલ કરે છે અને નિશ્ચિત ટકાનો હિસ્સો સરકારને આપે છે. આના પરિણામે, તેમને આવક વધારવાનું ઉત્તેજન મળે છે પરંતુ, પ્રવાસીઓને વધતા ભાડાંનો શિકાર બનવું પડે છે.

શાપ્સે કોમન્સની ટ્રાન્સપોર્ટ કમિટીને જણાવ્યું હતું કે તેમની દરખાસ્ત તમામ રેલવેને એકજૂટ બનાવશે. તેમણે પોતાની સિસ્ટમને ટ્રાન્સપોર્ટ ફોર લંડન સાથે સરખાવી હતી, જેમાં કોન્ટ્રાક્ટ હેઠળના ઓપરેટર્સ ઓવરગ્રાઉન્ડ રેલવે લાઈન્સનું સંચાલન કરે છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરીની દરખાસ્તો બ્રિટિશ એરવેઝના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ કિથ વિલિયમ્સ દ્વારા બ્રિટનની રેલવે સંબંધિત ૨૧ મહિનાની સ્વતંત્ર સમીક્ષાના રિપોર્ટમાં  સામેલ કરાવાની ધારણા છે. શાપ્સે જણાવ્યું છે કે આ સમીક્ષામાં તેમની યોજના વિશે વિસ્તારથી જણાવાશે. ફ્રેન્ચાઈઝ સોદાઓ સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે જેનાથી, સરકાર માટે બ્રિટિશ રેલવેઝની પુનર્રચનાનો માર્ગ મોકળો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter