લંડનઃ બ્રિટનના રોયલ એરફોર્સે સીરિયામાં પ્રથમવાર આઇએસઆઇએસના થાણાઓ પર બોમ્બમારો કર્યો છે. સંસદમાં બહુમતે નિર્ણય લેવાયા પછી તાબડતોબ હવાઇ દળે બુધવારે રાત્રે સાઇપ્રસના અક્રોતિરી એરબેઝસ્થિત તેના ટોર્નેડો અને ટાઇફૂન યુદ્ધવિમાનો સીરિયા રવાના કર્યા હતા. જોકે, વડા પ્રધાન ડેવિડ કેમરને ઈરાક અથવા સીરિયામાં બ્રિટિશ ભૂમિદળ ઉતારવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. સીરિયા પર હવાઈહુમલા કરવાના મતદાન કરાયા પછી હાઉસ ઓફ કોમન્સમાં સાડા દસ કલાકની ચર્ચા થઈ હતી.
વડા પ્રધાન ડેવિડ કેમરને દાવો કર્યો હતો કે સંસદીય મતદાન ત્રાસવાદીઓનો પીછો કરવો આથવા તેઓ બ્રિટનમાં હુમલા કરે તેની રાહ જોવા વચ્ચેની પસંદગી હતી. તેઓ ઈસ્લામિક સ્ટેટ દ્વારા પડકારનો ઉત્તર સરળ હોવાનું માનતા નથી કે લશ્કરી કાર્યવાહીના જોખમો નજરઅંદાજ પણ કરતા નથી. પ્રસ્તાવ બહુમતથી પસાર થયા પછી કેમરને સંસદમાં જણાવ્યું હતું કે બ્રિટનને નષ્ટ કરવાનો બદઇરાદો ધરાવતા આતંકવાદીઓ પર હુમલો ન્યાયોચિત છે. આતંકીઓ પર હુમલો પૂરી રીતે કાયદેસર છે. આ હુમલા બ્રિટનને સલામત રાખશે. તેમણે અગાઉ ઇરાકમાં થયેલા બોમ્બમારાનો ઉલ્લેખ કરી હાઉસ ઓફ કોમન્સને સીરિયામાં પણ ત્રાસવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.
બીજી તરફ, લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વડા પ્રધાન કેમરન યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમના આ મત છતાં લેબર પાર્ટીના સંખ્યાબંધ સાંસદોએ પ્રસ્તાવની તરફેણ કરી હતી. હવાઈહુમલાના પ્રસ્તાવની તરફેણમાં કન્ઝર્વેટિવ્ઝ (૩૧૩), લેબર પાર્ટી (૬૬), લિબરલ ડેમોક્રેટ્સ (૦૬), ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (૦૮), અલ્સટર યુનિયનિસ્ટ પાર્ટી (૦૮) અને અન્ય (૦૨) મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં કન્ઝર્વેટિવ્ઝ (૦૭), લેબર પાર્ટી (૧૫૩), સ્કોટિશ નેશનલ પાર્ટી (૫૩), એસડીએલપી (૦૩), લિબરલ ડેમોક્રેટ્સ (૦૨), પ્લાઈડ સીમ્રુ (૦૨), અન્ય (૦૨) અને ગ્રીન પાર્ટી (૧) મત પડ્યા હતા.