લંડનઃ બ્રિટિશ લશ્કરી દળોમાં હિન્દુ અને બિન-હિન્દુ સભ્યોએ બર્મિંગહામના બાલાજી ટેમ્પલ સહિતના સ્થળોએ સ્થાનિક કોમ્યુનિટીઓ સાથે મળીને રક્ષાબંધનના અનોખા તહેવારની ઉજવણી કરી હતી. આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્ક (AFHN) દ્વારા સૌપ્રથમ વખત આયોજિત કાર્યક્રમનું સમાપન ૨૭ ઓગસ્ટ, ગુરુવારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના વડા મથકે કરાયું હતું. AFHNના સભ્યોએ કોમ્યુનિટી અને સુરક્ષા દળો વચ્ચે સુરક્ષાના વિશિષ્ટ બંધનના પ્રતીકરુપે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને લશ્કરી દળોના વરિષ્ઠ સભ્યોના કાંડા પર રાખી બાંધી હતી.
લંડનમાં સવારના કાર્યક્રમમાં હિન્દુ ચેપ્લિન આચાર્ય કૃષ્ણાજી દ્વારા પ્રાર્થના પછી AFHNના અધ્યક્ષ સાર્જન્ટ લેફ. કમાન્ડર ડો. મનીષ તાયલે પરિચયવિધિ કરી હતી. નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ અને સિટી હિન્દુ નેટવર્કના પ્રતિનિધિઓએ પ્રવચનો કર્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ લેફ. જનરલ એન્ડ્રયુ ગ્રેગોરીએ વૈવિધ્યતા અને રાખીના તહેવારનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,‘મૂલ્યોની સહભાગિતા જ આપણી તમામ કોમ્યુનિટીઓ વચ્ચેની સમાનતા છે. આર્મ્ડ ફોર્સીસ કોમ્યુનિટીમાં અમે દરેક પોતાના પ્રતિ સાચા બની રહે, તેમના મૂલ્યો અને પરંપરાનું સન્માન કરાય તેની ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારામાં સંપૂર્ણ વૈવિધ્યતા નથી. આર્મ્ડ ફોર્સીસમાં BME લોકોની સંખ્યા ઘણી ઓછી છે.’ NHSF ની પ્રતિનિધિ અને કાર્ડિફ યુનિવર્સિટીની વિદ્યાર્થિની રાધિકા કેશવે પણ રક્ષાબંધનનું મહત્ત્વ સમજાવ્યું હતું. સિટી હિન્દુઝ નેટવર્કના પ્રણય નથવાણીએ હિન્દુ મૂલ્યો અને સિદ્ધાંતોની વાત કરી હતી. ઉજવણીમાં યુકે આર્મ્ડ ફોર્સીસમાં હિન્દુ સૈનિકોના ફાળાની પ્રશંસા પણ કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ૭૫૦,૦૦૦ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ૧.૨૫ મિલિયન હિન્દુ સૈનિકો બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાંથી લડ્યા હતા.
એશિયન એચિવર્સ એવોર્ડ્સ
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા આયોજિત એશિયન એચિવર્સ એવોર્ડ્સનો ૧૫મા વર્ષમાં પ્રવેશ થયો છે અને ૧૮ સપ્ટેમ્બરે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં તેનું આયોજન કરાયું છે. આર્મ્ડ ફોર્સીસ અને તેમાં આપણી કોમ્યુનિટીના સભ્યોના ફાળાની ઉજવણી રુપે આ વર્ષના એવોર્ડનું થીમ ‘યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ’ રાખવામાં આવ્યું છે.
(વિસ્તૃત અહેવાલ માટે જુઓ- એશિયન વોઈસ પાન નંબર ૭)