લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ મધ્યે બ્રિટનની લોકશાહીને લક્ષ્યાંક બનાવવામાં આવી રહી છે. બ્રિટિશ મૂલ્યોને હાનિ પહોંચાડવા ઇચ્છતા જૂથો દ્વારા બ્રિટનની સડકોને હાઇજેક કરવામાં આવી રહી છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઘરઆંગણે રહેલા કેટલાક પરિબળો આપણને વિભાજિત કરવા માગે છે. સુનાકે રોશડેલ પેટાચૂંટણીમાં જ્યોર્જ ગેલોવેના વિજયની ટીકા કરતાં ચેતવણી સમાન ગણાવ્યો હતો.
સુનાકે જણાવ્યું હતું કે, હિંસાની ધમકીઓ અને ભય ફેલાવવાની પ્રવૃત્તિઓ આપણી કામગીરીમાં અવરોધ બની રહી છે. આપણે આ પ્રકારની ધમકીઓ અને પ્રવૃત્તિઓનો સામનો કરવો જ પડશે. બ્રિટનમાં બહુમતી લોકો મૂળભૂત મૂલ્યોનું સમર્થન કરે છે પરંતુ કેટલાંક જૂથો તેમ કરતાં નથી. ઇસ્લામિક કટ્ટરવાદીઓ અને કટ્ટર જમણેરીઓ એકબીજાને મજબૂત બનાવી રહ્યાં છે. તેઓ એવું પૂરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તેમના દ્વારા આચરાતી હિંસા યોગ્ય છે. આ જૂથો કટ્ટરવાદના સિક્કાની બે બાજુ સમાન છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, કટ્ટરવાદનો સામનો કરવા દેશમાં ઝેર ઓકવા આવતા લોકોના વિઝા રદ કરી દેવાશે. મેં પોલીસને હિંસક દેખાવો સામે કડક હાથે કામ લેવાની સૂચના આપી છે. તાજેતરના કેટલાક સપ્તાહોમાં કટ્ટરવાદી અને અપરાધિક પ્રવૃત્તિઓમાં ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. વિરોધ પ્રદર્શનો હવે ભય ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. અગ્રણી લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે. હવે આપણી લોકશાહીને લક્ષ્યાંક બનાવવામાં આવી રહી છે. કાઉન્સિલની મિટિંગો અને સ્થાનિક કાર્યક્રમોમાં ઉત્પાત મચાવવામાં આવી રહ્યો છે. સાંસદો પણ તેમના ઘરોમાં સુરક્ષિત અનુભવતા નથી.
વડાપ્રધાન રિશી સુનાકે ચેતવણી આપી હતી કે બ્રિટન પર ટોળાશાહીનું જોખમ તોળાઇ રહ્યું છે. પોલીસ વિરોધ પ્રદર્શનોને અટકાવવા આકરી કાર્યવાહી કરે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશના લોકતાંત્રિક સંસ્થાનોને ટોળાશાહી સામે સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પોલીસ વડાઓને સંબોધન કરતા સુનાકે જણાવ્યું હતું કે પોલીસ અસ્વીકાર્ય જણાય તેવા દેખાવો બંધ કરાવી દેવા જોઇએ. પ્રવર્તમાન કાયદાઓના દાયરામાં આકરા પગલાં લેવા માટે સરકાર પોલીસને પુરતું સમર્થન આપશે.
સુનાકે જણાવ્યું હતું કે, દેશમાં લોકતાંત્રિક શાસનનું સ્થાન ટોળાશાહી લઇ રહી છે. આપણે સાથે મળીને તાત્કાલિક બદલાવ લાવવો પડશે. પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા સાંસદોના મકાનોને લક્ષ્યાંક બનાવાયા બાદ સરકારે પોલીસને નવા આદેશો જારી કર્યાં છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે આ પ્રકારના ઉશ્કેરણીજનક અને હિંસક દેખાવોને પરવાનગી આપી શકીએ નહીં. પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા સંસદ ખાતે કરાયેલા દેખાવોમાં મુક્ત ચર્ચા અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને તેમની કામગીરી કરતા અટકાવવાનો ઇરાદો સ્પષ્ટ હતો. આ કૃત્ય બિનલોકશાહી છે.
સરકાર દ્વારા નવો ડેમોક્રેસી પ્રોટોકોલ જારી કરાયો છે. જે અંતર્ગત સાંસદ અથવા કાઉન્સિલરના ઘર ખાતે ઉશ્કેરણીજનક દેખાવો સામે બળપ્રયોગની પોલીસને છૂટ અપાઇ છે.
કટ્ટરવાદીઓ સામે પગલાંને સ્ટાર્મરનું સમર્થન
લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે રાષ્ટ્રીય એકતા માટે પેલેસ્ટાઇન તરફી કટ્ટરવાદીઓ સામે કડક હાથે કામ લેવાની વડાપ્રધાનની અપીલમાં સૂર પૂરાવ્યો છે. સ્ટાર્મરે ઉશ્કેરણીજનક અને વિભાજનકારી વર્તનને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. કેટલાંક લેબર સાંસદ દ્વારા પેલેસ્ટાઇન તરફી દેખાવો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરાઇ છે ત્યારે સ્ટાર્મરે સુનાકને સમર્થન આપ્યું છે.
યુકેમાં વિદેશથી આવતા કટ્ટરવાદી પ્રચારકો પર લગામ કસાશે
યુકેમાં વધી રહેલી કટ્ટરવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતાં સરકાર ઝેર ઓકતા પ્રચારકોને યુકે આવતા અટકાવવાની યોજના તૈયાર કરી રહી છે. સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી આવતા સૌથી ભયજનક કટ્ટરવાદીઓની ઓળખ કરશે તેથી તેમને વિઝા વોર્નિંગ યાદીમાં સમાવી શકાય. આ યાદીમાં સમાવિષ્ટ લોકોને યુકેમાં પ્રવેશતા અટકાવાશે. સરકાર માને છે કે તે આવા લોકો પર લગામ કસવા માટે નેશનલ સિક્યુરિટી સત્તા અને અધિકારોનો પણ ઉપયોગ કરી શકે છે.


