લંડનઃ ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા એક નવા રિપોર્ટ અનુસાર બ્રિટિશરોએ અવિભાજિત ભારત પરના તેના શાસનકાળ દરમિયાન અખૂટ સંપત્તિની લૂટ ચલાવી હતી. ટેકર્સ નોટ મેકર્સ ટાઇટલ સાથેના આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 1745થી 1900ના સમયગાળામાં બ્રિટિશરો દ્વારા 64.82 ટ્રિલિયન ડોલરની સંપત્તિ બ્રિટિશરોએ ભારતમાંથી બ્રિટનમાં મોકલી હતી. તેમાંથી 10 ટકા સંપત્તિ યુકેના અતિ ધનવાન લોકોએ ચૂસી લીધી હતી.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે જારી કરાયેલા આ રિપોર્ટમાં અસમાનતા અને આર્થિક વ્યવસ્થા પર સંસ્થાનવાદની અસરોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સંસ્થાનવાદના સમયગાળામાં પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી લખલૂટ સંપત્તિ ઉત્તર ગોળાર્ધમાં પહોંચી હતી. તેનો લાભ આ દેશોના પસંદગીના ઉચ્ચ વર્ગના લોકોને થયો હતો. તેના કારણે વિશ્વમાં અસમાનતા વિકરાળ બની હતી. વિશ્વના રેસિઝમ આધારિત બે ફાડિયા થઇ ગયાં હતાં.
ઓક્સફામના અંદાજ અનુસાર બ્રિટને ભારતમાંથી ઉલેચેલી સંપત્તિની ગણતરી કરાય તો આજના લંડન શહેરના વિસ્તારને 50 પાઉન્ડની ચલણી નોટો વડે ચાર વાર આવરી શકાય. સંપત્તિની આ ઉઘાડી લૂટના કારણે બ્રિટનના ધનવાનો 10 ટકા વધુ અમીર બની ગયાં હતાં અને બ્રિટનના ઉભરી રહેલા મધ્યમવર્ગને પણ તેના લાભ પહોંચ્યા હતા.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સંસ્થાનવાદીઓની આ ઉઘાડી લૂટના કારણે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ભારતનો હિસ્સો વર્ષ 1750માં 25 ટકા હતો જે વર્ષ 1900માં ઘટીને 2 ટકા પર આવી ગયો હતો. બ્રિટન દ્વારા એશિયન ટેક્સટાઇલને લક્ષ્યાંક બનાવીને ઘડાતી નીતિઓના કારણે આમ બન્યું હતું. તેના કારણે ભારતનો ઔદ્યોગિક વિકાસ રૂંધાઇ ગયો હતો.


