નવી દિલ્હી ઃ ભારતના છેલ્લા વાયસરોય લોર્ડ માઉન્ટબેટનના અને તેમના પત્ની એડવિના માઉન્ટબેટનની ડાયરીઓને જાહેર કરવાનો બ્રિટિશ સરકારે ફરી ઈનકાર કરી દીધો છે.
બ્રિટિશ લેખક એન્ડ્ર્યુ લોવની છેલ્લા ચાર વર્ષથી આ ડાયરીઓની જાણકારી મેળવવા માટે દિવસરાત એક કરી રહ્યા છે. તેમણે આ માટે અત્યાર સુધીમાં અઢી લાખ પાઉન્ડ જેવી માતબર રકમ પણ ખર્ચી નાંખી છે. જોકે ફરી એક વખત તેમને નિષ્ફળતા હાથ લાગી છે. બ્રિટિશ કેબિનેટ તેમજ સાઉથ હેમ્પટન યુનિવર્સિટીએ તેમની અપીલ ફગાવી દીધી છે.
એન્ડ્ર્યુ લાવની માને છે કે, લોર્ડ માઉન્ટબેટન અને તેમના પત્નીની ડાયરી તેમજ પત્રોના કારણે ભારતના ભાગલા અને એડવિનાના સબંધો અંગે સંખ્યાબંધ રહસ્યો પરથી પડતો ઉંચકાઈ શકે છે અને તેના કારણે બ્રિટિશ સરકાર તેને જાહેર કરવાનું ટાળી રહી છે.
લોર્ડ માઉન્ટબેટનની ડાયરી અને પત્ની એડવિનાના પત્રોને ૨૦૧૦માં દેશહિત માટે સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં તે સાઉથ હેમ્પટન યુનિવર્સિટીના આર્કાઈવમાં છે. ૨૦૧૭માં લોર્ડ માઉન્ટબેટન પર પુસ્તક લખનાર લેખક લોવની આ ડાયરી અને પત્રો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
માહિતી મેળવવાના અધિકાર હેઠળ તેમણે આ મામલે અપીલ કરી હતી અને માહિતી આયોગ તરફથી આ ડાયરી તેમજ પત્રો સાર્વજનિક કરવાનો આદેશ પણ અપાયો હતો. જોકે આ પછી પણ તેઓ ડાયરી અને પત્રો સુધી પહોંચી શક્યા નથી.
સાઉથ હેમ્પટન યુનિવર્સિટીનું કહેવુ છે કે, સરકારે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી અમારા તરફથી બીજો આદેશ ના મળે ત્યાં સુધી ડાયરી અને પત્રો સાર્વજનિક ન કરાય. આ અંગે એન્ડ્રયુ લોવનીનું કહેવું છે કે, ડાયરી અને પત્રોમાં ચોક્કસ એવી વાતો છે જેનાથી ભારતના વિભાજન અને શાહી પરિવારને લગતી કેટલીક વાતો પહેલી વખત બહાર આવી શકે તેમ છે.