બ્રિટિશ સ્નાઈપરે ૯૦૦ મીટર દૂરથી એક ગોળી ચલાવી આઈએસના પાંચ આતંકી માર્યા

Tuesday 26th January 2021 13:43 EST
 

લંડનઃ બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (એસએએસ)ના જાંબાઝ સ્નાઇપરે પોતાની નિશાનેબાજીથી આતંકીઓ વચ્ચે કોહરામ મચાવી દીધો હતો. આ જવાને સીરિયામાં લગભગ ૯૦૦ મીટર દુરથી એકદમ સચોટ નિશાન લગાવીને એક ગોળી છોડી હતી. માત્ર આ એક ગોળીથી આઇએસના પાંચ આતંકી માર્યા ગયા હતા. તેમાં આઇએસનો એક ટોચનો કમાન્ડર પણ હતો. ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર સ્પેશિયલ એર સર્વિસના આ સાર્જંટે સીરિયામાં તૈનાતી દરમિયાન આ ગોળી ચલાવી હતી. આ સ્નાઇપરે સીરિયામાં જેહાદી આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકોથી ભરેલા જેકેટને એક ગોળી મારી હતી. ૯૦૦ મિટર દુરથી ચલાવવામાં આવેલી આ ગોળી એકદમ નિશાન પર વાગી હતી. જેને પગલે આ આત્મઘાતી જેકેટમાં ફિટ કરેલા બોમ્બનો વિસ્ફોટ થઇ ગયો હતો.

આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જેકેટવાળા આતંકીની આસપાસ જે આતંકી ઉભા હતા તે પૈકી પાંચ સ્થળ પર જ માર્યા ગયા હતા. તેમાં જેકેટ પહેરેલા આતંકીનો પણ સમાવેશ થાય છે. સ્નાઇપરે આ ગોળી ચલાવી ત્યારે આત્મઘાતી હુમલાખોર હુમલા પહેલા એક વીડિયો સંદેશ રેકર્ડ કરી રહ્યો હતો.

છેલ્લાં ઘણાં સમયથી બ્રિટિશ એસએએસના કમાન્ડો આઇએસઆઇએસની આ સીક્રેટ બોમ્બ ફેક્ટરી પર નજર રાખી રહ્યા હતા. નવેમ્બરમાં આ ફેક્ટરીમાં ઘણી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળતા તેને નિશાન બનાવીને બ્રિટિશ આર્મીના કમાન્ડો તૈનાત થઇ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter