બ્રિટિશ હાઇ કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરુ થશે

SBI સહિત ૧૨ બેંકોનું માલ્યા પાસે ૧.૧૪૫ અબજ યુરોનું લેણું બાકીઃ ભારત સરકારને નાણાવસૂલીમાં નહિ, મારા પ્રત્યાર્પણમાં રસઃ માલ્યાનો આક્ષેપ

Tuesday 18th December 2018 02:18 EST
 
 

લંડનઃ ભારતના આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આગામી વર્ષે બ્રિટિશ હાઇકોર્ટમાં માલ્યા સામે નાદારીની કાર્યવાહી શરુ થવાની શક્યતા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય ૧૨ બેંકોએ કિંગફિશર એરલાઇન્સને માલ્યાની ગેરંટી સાથે લોન તરીકે અપાયેલા આશરે ૧.૧૪૫ બિલિયન પાઉન્ડ વસૂલ કરવા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અગાઉ, ભારતની બેન્કો પાસેથી મોટા પાયે લોન્સ લઈ પરત નહિ કરનારા ભાગેડુ વિજય માલ્યાએ આક્ષેપ લગાવ્યો છે કે ભારત સરકારને નાણા વસૂલવામાં નહિ પરંતુ, મારા પ્રત્યાર્પણમાં જ વધુ રસ છે. સીબીઆઈ અને ઈડી મારી પર કોઈ આરોપ મૂકી શકી નથી. હું ભારત આવી બાકી બધું દેવું ચૂકવવા તૈયાર હતો પરંતુ, સરકાર નાણા વસૂલવાને બદલે મારી પર ધ્યાન રાખીને બેસી રહી છે.

લેણદારોએ હાઇકોર્ટની કોમર્શિયલ કોર્ટમાં વિજય મેળવ્યો હતો, કોર્ટે માલ્યાની અરજી નકારી હતી. આ પછી, હાઇકોર્ટની વ્યવસાય અને સંપત્તિ કોર્ટે હરફોર્ટશાયરના ટેવિનમાં માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે માલ્યાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. માલ્યાએ કહ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અગાઉ ૨૦૧૬થી સમાધાનની ઓફર કરતો હોવાં છતાં, બેન્કોને મારી ઓફર નહિ સ્વીકારવા જણાવાયું હતુ. મારી સંપત્તિ પર કબજો કરવા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને બેન્કો વચ્ચે હુંસાતુસી ચાલી રહી છે તેથી કોર્ટ મારી સંપત્તિની લિલામી કરીને લેણદારોને ચૂકવી શકે તે હેતુસર મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ નાણા ચૂકવી દેવાની ઓફર રજૂ કરી હતી.

હકીકત એ છે કે હું મૂળ લંડનનો હોવાં છતાં ભારત છોડીને ભાગી ગયો હોવાનું કહેવાય છે. ભારત સરકાર માત્ર મારી પાછળ પડી છે. સરકારે દેશના અન્ય બેન્ક ડિફોલ્ટરો પર ધ્યાન આપી તેમને પણ ઝપટમાં લેવા જોઈતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter