લંડનઃ મુસ્લિમો પ્રત્યે નફરતના કારણે બ્રિટિશ હિન્દુ કટ્ટરવાદીઓ યુરોપમાં ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યાં હોવાનો દાવો કરતા ડેઇલી મેઇલના અહેવાલની સામે હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ લેસ્ટર દ્વારા કરાયેલી ફરિયાદને યુકેના પ્રેસ રેગ્યુલેટરે ફગાવી દીધી છે.
ઇન્ડિપેન્ડન્ટ પ્રેસ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (આઇપીએસઓ)એગ્રુપના કન્વિનર વિનોદ પોપટને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ડેઇલી મેઇલના આર્ટિકલના કારણે એડિટર્સ કોડનું ઉલ્લંઘન થતું નથી. હિન્દુત્વને હિન્દુ કટ્ટરવાદ સાથે સાંકળવા સામે કરાયેલી ફરિયાદને પણ નકારી કાઢવામાં આવી છે. આઇપીએસઓએ જણાવ્યું હતું કે, હિન્દુત્વના ઘણા અર્થ થાય છે. અન્ય અર્થઘટનો બાકાત રાખવાથી આર્ટિકલ ખોટો બની જતો નથી.
વિનોદ પોપટે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આર્ટિકલમાં બ્રિટિશ હિન્દુઓના ફાર રાઇટ્સ સાથે સંબંધ હોવાના અને બ્રિટિશ હિન્દુઓ દ્વારા યુકેની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરાતો હોવાના પુરાવાવિહોણા આરોપ મૂકાયા છે. આઇપીએસઓએ આ ફરિયાદને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, આર્ટિકલ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના રિપોર્ટના આધારે તૈયાર કરાયો છે. આ રિપોર્ટ ખોટો કે ગેરમાર્ગે દોરનારો નથી.
પોપટે તેમની ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આર્ટિકલમાં બ્રિટિશ હિન્દુઓના મંતવ્યો લેવાયા નથી. આઇપીએસઓએ આ આરોપને પણ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, એડિટર્સ કોડ અંતર્ગત આર્ટિકલ સંતુલિત હોવો જરૂરી નથી. આર્ટિકલ પબ્લિશ કરાય તે પહેલાં ચોક્કસ હિત ધરાવતા પક્ષકારોનો સંપર્ક કરવો પણ આવશ્યક નથી.


