લંડનઃ યુકેની નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના કોન્ફિડેન્શિયલ રિપોર્ટમાં બ્રિટિશ હિન્દુ સમુદાયના કટ્ટરવાદી તત્વોએ મુસ્લિમો પ્રત્યેની નફરતના કારણે ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવ્યા હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકાયો છે કે આ તત્વો હિન્દુ મતદાતાઓને કઇ રાજકીય પાર્ટીને સમર્થન આપવું તેની સલાહ આપીને બ્રિટિશ ચૂંટણી પર પ્રભાવ પાડી રહ્યાં છે.
એનપીસીસીની નેશનલ કોમ્યુનિટી ટેન્શન ટીમ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે મુખ્ય પ્રવાહના હિન્દુ ધર્મથી વિપરિત હિન્દુત્વની રાજકીય વિચારધારા યુકેમાં આંતરધર્મીય સંબંધો પર અસર પાડી શકે છે. આ પહેલાં કટ્ટરવાદ પર હોમ ઓફિસ દ્વારા કરાયેલી સમીક્ષામાં પણ હિન્દુત્વને બ્રિટનમાં સમસ્યા તરીકે ગણાવવામાં આવ્યું હતું. એનપીસીસીના રિપોર્ટમાં 2022માં લેસ્ટર ખાતે થયેલી કોમી અથડામણો સાથે હિન્દુત્વના સમર્થકોને સાંકળવામાં આવ્યાં છે.
રિપોર્ટમાં મૂકાયેલા આરોપ
- હિન્દુત્વ મૂવમેન્ટમાં ચોક્કસ તબકાઓ બ્રિટિશ ફાર રાઇટ ટોમી રોબિનસન સહિતના એક્ટિવિસ્ટ સાથે સંકળાયેલા છે. રોબિનસને મુસ્લિમ વિરોધી ગતિવિધિઓ માટે કેટલાક હિન્દુ સંગઠનો સાથે મુલાકાત પણ કરી હતી.
- હિન્દુત્વની વિચારધારાને વરેલા તત્વો નોર્વેજિયન ટેરરિસ્ટ એન્ડર્સ બ્રેઇવિક સહિતના યુરોપિયન ફાર રાઇટ્સ સાથે પણ સંકળાયેલા છે. તેણે પોતાના મેનિફેસ્ટોમાં હિન્દુત્વનો ઉલ્લેખ પણ કર્યો છે.
- 2019ની સંસદની ચૂંટણીમાં યુકેના હિન્દુ મતદારોને વોટ્સ એપ પર લેબર પાર્ટીને સ્થાને કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવાની અપીલો કરાઇ હતી.
- રાજકીય અને સામાજિક વિવાદોમાં ધાર્મિક નારાબાજી કરાતી હોવાનો આરોપ. ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા અલ્લાહુ અકબર જેવા નારાની જેમ હિન્દુ કટ્ટરવાદીઓ દ્વારા જય શ્રી રામના ધાર્મિક નારાનો ઉપયોગ કરાય છે.
- ચોક્કસ પ્રકારની બોલિવૂડની ફિલ્મોએ બ્રિટનમાં આંતરધાર્મિક તણાવ વધારવામાં યોગદાન આપ્યું છે.
હિન્દુ કટ્ટરવાદ રિપોર્ટ જાહેર કરવા બોબ બ્લેકમેનની ઉગ્ર રજૂઆત
2022માં લેસ્ટરમાં થયેલા રમખાણ માટે હિન્દુ કટ્ટરવાદને જવાબદાર ગણાવતા એનપીસીસીના રિપોર્ટ પર સાંસદ બોબ બ્લેકમેને સંસદમાં ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિટનમાં 105 હિન્દુના મકાન પર હુમલા થયા હતા જેની સામે એકપણ મુસ્લિમ મકાન પર હુમલો થયો નથી. બે હિન્દુ મંદિર પર હુમલાની સામે એકપણ મસ્જિદ પર હુમલો થયો નથી. મેં સરકારને સંપુર્ણ રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે જેથી અમે ચકાસણી કરી શકીએ.