બ્રિટિશ હિન્દુઓમાં ભારે આક્રોશ

Tuesday 03rd December 2024 11:40 EST
 

મુજિબુર રહેમાનનું બિનસાંપ્રદાયિક દેશનું સ્વપ્ન રોળાઇ ગયુઃ લોર્ડ ધોળકિયા

બાંગ્લાદેશની રચનામાં ભારતની ભુમિકા નાની સૂની નહોતી. પરંતુ શેખ હસીનાની વિદાય બાદ ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધની હિંસા ફાટી નીકળવાનું મને જરાપણ આશ્ચર્ય નથી. શેખ મુજિબુર રહેમાનના બિનસાંપ્રદાયિક બાંગ્લાદેશનું સ્વપ્ન રોળાઇ ગયું છે. બાંગ્લાદેશ સરકારના ઠાલા વચનોને કારણે હિન્દુ મંદિરો પર હુમલા જારી રહ્યાં છે. આ હિંસા અસ્વીકાર્ય છે. તેનો અંત આવવો જ જોઇએ. વિશ્વે જાણવું જોઇએ કે બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે. દરેકે તેની સામે અવાજ ઉઠાવવો જોઇએ.

બાંગ્લાદેશમાં હિન્દુઓના માનવ અધિકારોનું ધડલ્લે ઉલ્લંઘનઃ તૃપ્તિ પટેલ

હિન્દુ ફોરમ યુકેના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, હિન્દુ બાંગ્લાદેશના સૌથી પૌરાણિક રહેવાસી છે. તેમણે આક્રમણખોરોને સહન કર્યાં અને અન્યોને પોતાની જમીન પર વસાવ્યા. છેલ્લા હજારો વર્ષમાં મોટાપાયા પર નિર્દોષ હિન્દુઓની હત્યા કરાઇ અને ધર્મપરિવર્તન કરાવાયું.

બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષાની બદતર સ્થિતિ જોઇને યુકેનો દરેક સભ્ય સમાજ ભયભીત છે. અમારી પાસે હિન્દુઓની હત્યા, બળાત્કાર, લૂટફાટ અને સંપત્તિને નુકસાનના પુરાવા છે. હિન્દુ મંદિરો અને પૂજાના સ્થળો પર વિના રોકટોક હુમલા થઇ રહ્યાં છે કારણ કે સરકાર દ્વારા તેમને કોઇ સંરક્ષણ અપાઇ રહ્યું નથી.

તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓના માનવ અધિકારનું ધડલ્લે ઉલ્લંઘન થઇ રહ્યું છે. યુકેમાં બાંગ્લાદેશી મૂળના અડધો મિલિયન લોકો વસવાટ કરે છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાના પ્રત્યાઘાત યુકેમાં પણ પડી શકે છે.

હિન્દુ મંદિરો અને સમુદાય પરના હુમલા આઘાતજનકઃ પરમ સિંહ એમબીઇ

લંડનઃ સિટી સિક્સ ફાઉન્ડેશનના સહસ્થાપક પરમ સિંહે (એમબીઇ) જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં મંદિરો, ચર્ચ અને લઘુમતી સમુદાયો પરના તાજેતરના હુમલા આઘાતજનક છે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન સ્વીકાર્ય નથી. આપણે સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવી જોઇએ અને હિન્દુ નાગરિકોની સુરક્ષા તથા ન્યાયની જાળવણી માટે બાંગ્લાદેશની સરકારને રાજદ્વારી ચેનલો દ્વારા અપીલ કરવી જોઇએ. બાંગ્લાદશમાં શાંતિ સ્થપાશે એવી આશા રાખીએ.

બાંગ્લાદેશમાં શાંતિ માટે સમગ્ર વિશ્વમાં ઇસ્કોન દ્વારા પ્રાર્થનાનું આયોજન

લંડનઃ ઇસ્કોન બ્રિટનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના હિન્દુ લઘુમતી સમુદાયના સમર્થનમાં 1 ડિસેમ્બર 2024ના રવિવારના રોજ સમગ્ર વિશ્વના ઇસ્કોન મંદિરો અને અન્ય હિન્દુ મંદિરો ખાતે વિશેષ પૂજા અને પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના આસ્થાળુઓ હાજર રહ્યાં હતાં. ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવામાં આવી હતી કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન સામાજિક તણાવ ઘટે અને શાંતિની સ્થાપના થાય. ઇસ્કોનનું ગવર્નિંગ બોડી કમિશન અને એક્ઝિક્યુટિવ કમિટી બાંગ્લાદેશ સ્થિત ઇસ્કોનના સતત સંપર્કમાં છે.

કેનેડાના મોન્ટ્રિયલમાં બાંગ્લાદેશની હિન્દુ વિરોધી હિંસા સામે દેખાવો

મોન્ટ્રિયલઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિન્દુ વિરોધી હિંસાનો વિરોધ કરવા અને બાંગ્લાદેશ સ્થિત ઇસ્કોનના સમર્થનમાં કેનેડાના મોન્ટ્રિયલ ખાતે બાંગ્લાદેશી હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમણે કેનેડાની સરકારને બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા દબાણ લાવવા અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter