લંડનઃ સૌથી મોટા પાંચ ફૂટના રુબિક્સ ક્યુબ બનાવવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવતા બ્રિટિશર ટોની ફિશરે વિશ્વના સૌથી નાના રુબિક્સ ક્યુબનું નિર્માણ કર્યું છે એટલું જ નહિ, પ્રતિ સાઈડ ૦.૨૨ ઈંચનું કદ ધરાવતો કોયડો બનાવ્યા પછી નાના ચીપિયા અને મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી તેને ઉકેલી પણ બતાવ્યો છે.
ઈપ્સવિચમાં રહેતા અને કોયડાઓના શોખીન ૫૦ વર્ષીય ટોની ફિશર સૌથી મોટા રુબિક્સ ક્યુબ માટે વિશ્વવિક્રમ અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. તેમણે માત્ર ૦.૨૨ ઈંચના ટચુકડા રુબિક્સ ક્યુબના કોયડાને આંગળી અને અંગૂઠાની વચ્ચે રાખી મેગ્નિફાઈંગ ગ્લાસ અને ચીપિયાની મદદથી ઉકેલ્યો હતો. તેમણે આનો ત્રણ મિનિટનો વિડિયો પણ તૈયાર કરાવ્યો છે, જેમાં તેઓ કાળજીપૂર્વક ક્યુબના દરેક લાઈનને એકસરખા રંગમાં ગોઠવતા નજરે પડે છે.
આ વર્ષની શરૂઆતમાં તેમણે ઘર પાછળના ગાર્ડન શેડમાં સપ્તાહો સુધી કામ કરીને પાંચ ફૂટ લંબાઈ-પહોળાઈ અને ઊંચાઈ તથા ૧૦૦ કિલો વજન ધરાવતો રુબિક્સ ક્યુબ ૧૫૬ કલાકમાં તૈયાર કર્યો હતો. વિવિધ પોઝીશનમાં રહી આ ક્યુબનો કોયડો ઉકેલતા તેમને બે દિવસ લાગ્યા હતા.
કોયડાઓ ઉકેલવાથી લોકપ્રિય બનેલા ફિશર મોટી સંખ્યામાં ઓનલાઈન ફોલોઅર્સ ધરાવે છે. તેઓ કહે છે કે, ‘મને હંમેશાં ફાસ્ટેસ્ટ, લોન્ગેસ્ટ, ચોલેસ્ટ જેવા શબ્દોમાં જ રસ પડે છે અને મને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વાંચવામાં જ રસ પડે છે. હું છેક ૧૯૮૧થી રુબિક્સ ક્યુબ બનાવતો આવ્યો છું.’


