બ્રિટિશરો પર યુરોપીય દેશોના પ્રવાસ પર પ્રતિબંધ લાગી શકે

Wednesday 16th December 2020 00:38 EST
 
 

લંડનઃ યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે બ્રેક્ઝિટ ડીલ થવા વિશે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે ત્યારે બ્રિટિશ પર્યટકોને કડક કોરોના વાઈરસ ટ્રાવેલ નિયમોના કારણે પહેલી જાન્યુઆરીથી યુરોપીય દેશોનો પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. જો બોરિસ જ્હોન્સન છેલ્લી ઘડીએ ઈયુ સાથે સોદાબાજીમાં સફળ નીવડે તો પણ ‘થર્ડ પાર્ટી રુલ’માં અપવાદની રાહત મળે તો જ બ્રિટિશરોને આ નિયમો લાગુ પડી શકે નહિ.

ઈયુ સાથે બ્રેક્ઝિટ ડીલ થાય તો પણ તેમાં નોન- ઈયુ દેશો માટે કોરોના વાઈરસ ટ્રાવેલ રુલ્સ બાબતે પરેશાની સર્જાઈ શકે છે. આ નિયમો હેઠળ ઈયુ દ્વારા ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ જેવા સૌથી ઓછાં જોખમી દેશોમાંથી અનાવશ્યક પ્રવાસને પરવાનગી અપાય છે. આ દેશોની યાદીમાં આવવા માટે સંબંધિત દેશોનો સંક્રમણદર ૧૫ જૂનની યુરોપીય સરેરાશની સમકક્ષ અથવા ઓછો હોવો જરુરી છે. ઈયુના ૨૭ દેશના ૧૮ સભ્ય દેશોની સરખામણીએ યુકેમાં ઈન્ફેક્શન રેટ ઓછો હોવાં છતાં, દર બે સપ્તાહે સમીક્ષા કરાતી ‘સલામત યાદી’માં બ્રિટનનો સમાવેશ કરવાની હાલ કોઈ યોજના ન હોવાનું ઈયુ સત્તાવાળા જણાવે છે. ઈયુમાં હાલ બિન આવશ્યક પ્રવાસ નહિ કરવાની સલાહ અપાય છે. આમ છતાં, મોટા ભાગના નાગરિકો કોરોના વાઈરસ મહામારીને ગણકાર્યા વિના ૨૭ સભ્ય દેશોનો આંતરિક પ્રવાસ કરતા રહે છે.

મેડિકલ સપ્લાય ચેઈન્સ અને ફૂડ સપ્લાયમાં સંકળાયેલા, સીઝનલ ફાર્મ વર્કર્સ અને ડિપ્લોમેટ્સ જેવા આવશ્યક પ્રવાસીઓને આ નિયમો લાગુ પડતા નથી. ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે બ્રેક્ઝિટના સીધા પરિણામ સ્વરુપે આ નિયંત્રણો હોવાનો ઈનકાર કરતા કહ્યું છે કે તમામ દેશોએ વાઈરસ સામે કામ પાર પાડવા પ્રવાસ નિયંત્રણો સમીક્ષા હેઠળ રાખવા પડે છે. બ્રિટિશરો ૧૮૦ દિવસની મુદતમાં ૯૦ દિવસ માટે ત્યાં જઈ શકે છે પરંતુ, ઈયુ અને યુકેમાં પણ કોવિડ અલગ મુદ્દો છે જેને કાબુમાં લેવો એ પ્રાથમિકતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter