લંડનઃ હૃદયરોગનું જોખમ ટાળવા માટે ૧૭ મિલિયન બ્રિટિશરોને બ્લડ પ્રેશરની દવાઓ આપવા નિષ્ણાતોએ હિમાયત કરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મહત્ત્વપૂર્ણ અભ્યાસમાં જણાવાયું છે કે સામાન્ય પ્રેશર ધરાવનારાને પણ સામૂહિક રીતે બ્લડ પ્રેશરની ગોળીઓ દૈનિક આપવાથી સ્ટ્રોક્સ અને હાર્ટ એટેક્સના દરમાં ભારે કાપ આવી શકશે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની જ્યોર્જ ઈન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થના પ્રોફેસર કાઝેમ રાહિમીની ટીમના સંશોધનમાં ૬૦૦,૦૦૦ લોકોને સાંકળતા ૫૦ વર્ષ અગાઉ સહિતના ૧૨૩ અભ્યાસો ધ્યાનમાં લેવાયા હતા. આ કાર્યમાં માન્ચેસ્ટર, કિંગ્સ કોલેજ ઓફ લંડન અને સિડની યુનિવર્સિટીઓના નિષ્ણાતો પણ જોડાયા હતા. પ્રોફેસર રાહિમીએ જણાવ્યું હતું કે આ દવાઓને કોલેસ્ટરોલ પર નિયંત્રણ લાવતી સ્ટેટિન્સ જેવી ગણવી જોઈએ. તેનાથી વસ્તીના ૨૦ ટકા લોકોને મદદ કરી શકાશે. આનાથી લાખો લોકોનું જીવન બચાવી શકાશે.
અત્યારે માત્ર હાઈ બ્લડ પ્રેશર ધરાવનારાને જ સસ્તી દવાઓ અપાય છે. જોકે, સામાન્ય બ્લડ પ્રેશર સાથેના લોકોને પણ આ દવાઓ આપવા નિયમો બદલવા જોઈએ તેમ સંશોધકોએ જણાવ્યું હતું. આનો અર્થ એ થાય કે ૪૦થી વધુ વયની દરેક વ્યક્તિને આ ગોળીઓ અપાશે. વર્તમાન નિયમો અનુસાર ૧૪૦/૯૦ રીડિંગથી વધુ બ્લડ પ્રેશર હોય તેમની સારવાર કરાય છે. પ્રોફેસર રાહિમીના જણાવ્યા અનુસાર આ પ્રમાણ ૧૩૦/૮૫ સુધી તત્કાળ લઈ જવું જોઈએ.


