લંડનઃ જર્મનીએ ચાન્સેલર એન્જેલા મર્કેલના સમર્થન સાથે બ્રિટિશરો માટે યુરોપિયન યુનિયનની સરહદો બંધ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. ટાઈમ્સના અહેવાલ મુજબ ઈયુ દેશોની સરકારો જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી યુકે અને બિનઈયુ દેશોના તમામ રહેવાસીઓને તેમના દેશમાં પ્રવેશ માટે કામચલાઉ બંધી ફરમાવી શકે અને બ્રિટન સાથે તમામ પેસેન્જર ટ્રાન્સપોર્ટ લિન્ક્સ બંધ કરી શકે તેવી દરખાસ્ત પર વિચારણા થવાની છે.
આ દરખાસ્તમાં જણાવાયું છે કે ઈયુ વિસ્તારોમાં કોરોના વાઈરસના વેરિઅન્ટ્સના ચિંતાજનક ફેલાવાને અટકાવવા સભ્ય દેશો સંયુક્તપણે કાર્યવાહી કરી શકે છે. જોકે, ગયા વર્ષે ફ્રાન્સ દ્વારા લગાવાયેલા માલસામાનની હેરફેરના પ્રતિબંધથી અરાજકતા વ્યાપી હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે જર્મનીએ માલસામાન અને વેપાર પર પ્રતિબંધની તરફેણ કરી નથી.
આ પ્રતિબંધો કામચલાઉ હોવા છતાં, બ્રિટન કોરોના વેક્સિન નવા વાઈરસ સ્ટ્રેનના ફેલાવાને અટકાવી શકે છે અને સંક્રમણ ઘટી રહ્યું છે તેવો ઈયુને સંતોષ કરાવી શકે ત્યાં સુધી તો વર્તમાન નિયમો હેઠળ તે અમલી રહેશે. આનો અર્થ એવો છે કે વેક્સિનની અસરકારકતા વિશે સંતોષ ન કરાવી શકાય ત્યાં સુધી બ્રિટિશ પ્રવાસીઓ માટે ઈયુની સરહદો બંધ રહેશે.
દરમિયાન, ડચ સરકારે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત દેશમાં રાતના ૮.૩૦ કલાકથી સવારના ૪.૩૦ કલાક સુધીનો રાષ્ટ્રવ્યાપી કરફ્યુ જાહેર કર્યો છે. કરફ્યુમાં ડિલિવરી સર્વિસિસ તેમજ કૂતરાને ચાલવા લઈ જવાની મુક્તિ રહેશે પરંતુ ગેરકાયદે બહાર ફરનારાને ૯૫ યુરોનો દંડ કરાશે. ઓક્ટોબરમાં બાર અને રેસ્ટોરાં બંધ કરાયા પછી મધ્ય ડિસેમ્બરથી શાળાઓ અને બિનજરુરી શોપ્સ બંધ કરાઈ છે. લોકડાઉન ૯ ફેબ્રુઆરી સુધી અમલમાં છે.
નેધરલેન્ડ્ઝે વાઈરસના બ્રિટિશ સ્ટ્રેનનો ફેલાવો અટકાવવા યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ફ્લાઈટ્સ પ્રતિબંધમાં યુકે ઉપરાંત, સાઉથ આફ્રિકા અને લેટિન અમેરિકાને પણ આવરી લેવાયા છે જ્યાં વાઈરસના નવા વેરિએન્ટ્સ જોવા મળ્યાં છે. હવે જર્મનીની દરખાસ્ત હેઠળ યુરોપમાં વધુ ફ્લાઈટ્સ અને પ્રવાસબંધી લાગુ થઈ શકે છે. ડચ હેલ્થ મિનિસ્ટર હ્યુગો દ જોંગે કહ્યું છે કે નેધરલેન્ડ્ઝમાં બ્રિટિશ વેરિઅન્ટનું વર્ચસ્વ વધી રહ્યું છે અને તે ૩૦ ટકાથી વધુ ચેપી છે તેમજ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં સૌથી વધુ ફેલાઈ જશે.
યુકેના પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવનારા દેશો
• આલ્બેનિયા- ૧ ફેબ્રુઆરી સુધી યુકેથી આવતી તમામ ફ્લાઈટ્સ બંધ • ઈટાલી, સ્વીડન, બેલ્જિયમ અને બલ્ગેરિયા – આવશ્યક કારણોસર જ બ્રિટનથી આવતા પ્રવાસીને છૂટ • બેલારુસ – યુકેના પ્રવાસીઓ માટે ફરજિયાત ૧૦ દિવસ ક્વોરેન્ટાઈન • ક્રોએશિયા – યુકેના પ્રવાસીઓ માટે પ્રતિબંધ • ઝેક રિપબ્લિક – ઝેક નાગરિક અને રેસિડન્સી સ્ટેટસ સિવાય યુકેના પ્રવાસી માટે પ્રવેશબંધી • ફિનલેન્ડ – યુકેથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ • ફ્રાન્સ – માત્ર આવશ્યક પ્રવાસ અને ત્રણ દિવસ અગાઉનો નેગેટિવ કોવિડ ટેસ્ટ ફરજિયાત • જર્મની – માત્ર આવશ્યક કારણોસર બ્રિટિશ પ્રવાસીને પ્રવેશની છૂટ • જ્યોર્જીઆ – યુકેના નાગરિક પ્રવાસીઓને પ્રવેશબંધી • ગ્રીસ – યુકેના પ્રવાસીઓ માટે પ્રતિબંધ, ગ્રીક નાગરિકો માટે ૭૨ કલાક અગાઉનો નેગેટિવ કોવિડ ટેસ્ટ ફરજિયાત • લક્ઝમબર્ગ - યુકેના નાગરિક પ્રવાસીઓને પ્રવેશબંધી • સ્વીટ્ઝર્લેન્ડ – માત્ર સ્વિસ નાગરિકોને જ પ્રવેશ • રશિયા – યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ • પોર્ટુગલ – યુકે જતી અને આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ • હંગેરી - માત્ર આવશ્યક કારણોસર બ્રિટિશ પ્રવાસીને પ્રવેશની છૂટ • બોસ્નિઆ અને હર્ઝેહોવનિઆ – યુકેથી આવતા પ્રવાસી માટે ૪૮ કલાક અગાઉનો નેગેટિવ કોવિડ ટેસ્ટ ફરજિયાત