લંડનઃ યુકેની ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી (FSA) અનુસાર ત્રણ ચતુર્થાંશ બ્રિટિશરો માટે સૌથી મોટી ચિંતા ખોરાક અથવા ખાદ્યપદાર્થોની કિંમતોની છે. એજન્સી કહે છે કે એક ટંક ભોજન જતું કરનારા અથવા ફૂડ બેન્કનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ગયા વર્ષમાં અનેકગણી વધી છે.
FSAનો સર્વે જણાવે છે કે યુકેના 76 ટકા ગ્રાહકો માટે આગામી ત્રણ વર્ષ સુધી ખાદ્યપદાર્થોની આસમાને જતી કિંમતો સૌથી મોટી ચિંતાનો વિષય બની રહેશે. ફૂડ બેન્કનો ઉપયોગ કરનારા બ્રિટિશરોની સંખ્યા માર્ચ 2021માં 10માંથી એક વ્યક્તિની હતી પરંતુ, આ વર્ષના માર્ચ સુધીમાં તે વધીને દર 6 વ્યક્તિએ લગભગ એકની થઈ છે. માર્ચ મહિનામાં સર્વે કરાયેલા લોકોમાં પાંચમાંથી લગભગ એક (22 ટકા) વ્યક્તિએ કહ્યું હતું કે ફૂડ ખરીદવાનું પોસાતું ન હોવાથી તેમણે એક ટંકનું ભોજન લેવાનું છોડી દીધું છે અથવા ખોરાકનું પ્રમાણ ઘટાડી દીધું છે. લગભગ 70 ટકાએ જણાવ્યું હતું કે ભવિષ્ય માટે આરોગ્યપ્રદ ખોરાકની કિંમત મોટી ચિંતા છે. લગભગ બે તૃતીઆંશ લોકોએ યુકેમાં ફૂડના ભવિષ્ય બાબતે ફૂડ પોવર્ટી અને ખોરાકી અસમાનતાને ચિંતાજનક ગણાવી હતી. અન્નની અસુરક્ષા ઓછી આવક ધરાવતા, મોટા પરિવારોમાં અને યુવા વર્ગમાં તેમજ એશિયન, અશ્વેત, આફ્રિકન અને કેરેબિયન લોકોમાં વધુ છે.


