લંડનઃ બ્રિટિશરો માટે આ શિયાળો કટોકટીપૂર્ણ બની રહે તેવા અણસાર છે. ગેસ એનર્જીની અછતના કારણે બિલ્સ આસમાને જઈ રહ્યા છે અને ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફજેમ દ્વારા એનર્જી પ્રાઈસની મર્યાદામાં છૂટછાટ મૂકવાની માગણી પણ થઈ છે. યુરોપમાં ગેસની અછતે આંતરરાષ્ટ્રીય ભાવને આસમાને પહોંચાડ્યા છે જેના પરિણામે યુકેના પરિવારોના એનર્જી બિલ્સમાં વધારો થયો છે અને ગેસ સપ્લાયર્સને કામકાજ બંધ કરવાની ફરજ પડી છે.
રશિયાએ યુરોપના લોકોને ઠંડીમાં ઠીગરાઈ જશો તેવો ધમકીભર્યો સંદેશો મોકલતા પરિસ્થિતિ વધુ વણસી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેઓ યુરોપની ગેસના વધતા ભાવની કટોકટી માટે જવાબદાર હોવાનો ઈનકાર કર્યો છે પરંતુ, રશિયાના અપર હાઉસના સભ્ય વ્લાદિમીર ઝાબારોવે કહ્યું છે કે રશિયા સંપૂર્ણપણે યુરોપ પર નિયંત્રણ ધરાવે છે. ઈયુ રેગ્યુલેટર્સ દ્વારા જર્મની સાથે વિવાદિત ગેસ પાઈપલાઈન નોર્ડ સ્ટ્રીમ -૨ને મંજૂરી મળે તેની રાહ જોતા રશિયાએ યુરોપને મોકલાતો ગેસનો પુરવઠો નિયંત્રિત કરી દીધો છે. રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિનસ્ટર એલેકઝાન્ડર નોવાકે કહ્યું છે કે આ પાઈપલાઈન ચાલુ કરાશે તો જ આસમાને જતા ગેસના ભાવ અટકશે.
તાજા અંદાજો અનુસાર યુરોપના નેચરલ ગેસની ૪૦ ટકા જેટલી આયાત રશિયાથી થાય છે. આની સરખામણીએ યુકેની આયાત એક ટકાથી પણ ઓછી છે. આમ છતાં, વૈશ્વિક અછતે ગેસના આંતરરાષ્ટ્રીય ભાવને વિક્રમી રીતે ઊંચે ધકેલ્યા છે અને બ્રિટનને પણ તેની અસર નડી રહી છે. રેગ્યુલેટર ઓફજેમે જણાવ્યું છે કે ઈન્ડસ્ટ્રીમાં જથ્થાબંધ ભાવ અંકુશ બહાર જઈ રહ્યા છે ત્યારે એનર્જી પ્રાઈસ મર્યાદા કેવી રીતે કામ કરશે તેની સમીક્ષા કરવા તેઓ વિચારે છે.