બ્રિટિશરો યુદ્ધ અને બલિદાનો આપવા સજ્જ રહેઃ લશ્કરી વડાની ચેતવણી

Thursday 22nd October 2026 06:23 EDT
 
 

લંડનઃ બ્રિટનના લશ્કરી વડા જનરલ સર રોલાન્ડ વોકરે જણાવ્યું છે કે બ્રિટિશરોને બલિદાનો આપવા અનેદેશના રક્ષણમાં મદદ કરવાનું જણાવવામાં આવશે. તેમણે લશ્કરી દળોને ચેતવણી આપી છે કે આપણા દેશને તમારી જરૂર પડવાની છે. ટુંક સમયમાં જ રાજકીય નેતાઓ નિખાલસતા સાથે લોકોને યુદ્ધની ધમકીઓનો સામનો કરવાને સજ્જ રહેવા જણાવશે.
નોર્થ યોર્કશાયરમાં કેટરિક ગેરિસન ખાતે આશરે 700 સૈનિકોને સંબોધતા ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ જનરલ સર રોલી વોકરે ચેતવણી ઉચ્ચારી હતી કે દેશને તેના લશ્કરી દળોની જરૂર પડશે અને તેમને યુદ્ધ કરવા બોલાવાય ત્યારે પબ્લિક સપોર્ટ આવશ્યક બની રહેશે. તેમણે કહ્યું હતું કે, તમને કદાચ ખબર નહિ હોય, પરંતુ આપણા દેશને તમારી જરૂર ઉભી થવાની છે. એક સમય એવો હતો કે આપણા દેશને તેના દેશના સૈનિકોની લડાઈ માટે ક્યારે જરૂર પડશે તે વિચારવાની જરૂર લાગતી ન હતી.’
બ્રિટિશ ફોર્સીસ બ્રોડકાસ્ટિંગ સર્વિસ દ્વારા કેમેરા પર ઝીલાયેલી તેમની ટીપ્પણીએ પ્રજાની ભૂમિકા નિશ્ચિત કરી હતી જે લશ્કરી દળોને દૂર રહીને સપોર્ટ કરવાથી પણ આગળ વધે છે. સર રોલીએ જણાવ્યું હતું કે બ્રિટિશરોને જ સંરક્ષણ અને સલામતીને સૌપ્રથમ સ્થાને રાખવા દેશની રક્ષામાં મદદ કરવા અને બલિદાનો સ્વીકારવાનું જણાવાશે. ટુંક સમયમાં જ આપણા દેશના રાજકીય નેતાઓ દેશમાં શું થઈ રહ્યું છે અને જોખમો ક્યાં રહેલા છે તેના વિશે દેશના નાગરિકો સાથે નિખાલસપણે વાતચીત કરશે.’
સર રોલીએ સ્પષ્ટ કર્યું ન હતું કે લોકોને શું છોડી દેવા જણાવાશે અથવા તેઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. આમ છતાં તેમણે એટલું તો સ્પષ્ટ કર્યું જ હતું કે આ બલિદાનો શા માટે આવશ્યક છે અને લોકોને સમર્થન આપવા સમજાવવા રાજકારણીઓએ આગળ આવવું પડશે. લશ્કરી વડાની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ડિફેન્સ સંબંધિત રાષ્ટ્રીય ચર્ચાનું અપાયેલું વચન ક્યારે પૂર્ણ કરાશે તેવા સવાલ થઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter