બ્રિટિશરો વધુ રજાઓ લેવા હજારો પાઉન્ડનો પગાર જતો કરવા તત્પર

Friday 09th September 2016 06:45 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં વસવાટ કરતા અને જોબ કરતા અંદાજે ૩૧.૭૫ મિલિયન કામદારોમાં ત્રીજા ભાગના બ્રિટિશરો તેમની રજાઓ લેવા અને પૂરેપૂરું હોલીડે એલાવન્સ વાપરવા તત્પર જોવા મળે છે. જ્યારે અડધાથી વધુ બ્રિટિશરો વધુ રજાઓ લેવા માટે વર્ષે હજારો પાઉન્ડનો પગાર જતો કરવાનું પસંદ કરે છે.

અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે ૫૬.૩ ટકા લોકો વધુ રજાઓ લેવા માટે તેનો પગાર જતો કરવા પણ તૈયાર હોય છે. દર પાંચમાંથી એક બ્રિટિશર (૨૦ ટકા) વધુ રજા લેવા માટે તેના વાર્ષિક પગારનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો એટલે કે ૨,૭૬૦ પાઉન્ડથી વધુ ગુમાવવા તૈયાર રહે છે. જ્યારે ૧૦માંથી એક બ્રિટિશર (૧૧ ટકા) રજાઓ માણવા બે મહિનાનો પગાર જતો કરવા પણ તૈયાર હોય છે. દર પાંચમાંથી એક મહિલા (૧૭ ટકા) તેમની રજાઓ જતી કરવાને બદલે આખા વર્ષ માટે ચોકલેટ છોડવાનું પસંદ કરે છે.

બીજો રિપોર્ટ એવું જણાવે છે કે ત્રીજા ભાગના બ્રિટિશરો કામકાજમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ તેમનું પૂરેપુરુ હોલિડે એલાવન્સ વાપરી શકતા નથી અને ઓફિસને જ હોલિડેનું લોકપ્રિય સ્થળ બનાવી દે છે. ૧૩ ટકા લોકો એવું કહે છે કે તેઓ પાસે રજાનો ઉયોગ કરવાનો સમય જ નથી. જ્યારે ૪ ટકા લોકો વધુ રજા લેવાથી માલિક પર તેમની છાપ વિશે ચિંતિત છે. જોકે કામકાજમાંથી રજા લેવાના ઘણા લાભ છે. ૬૫ ટકા લોકો એવું માને છે કે રજા લેવાથી તેમની બેટરી રિચાર્જ થાય છે અને ઉત્પાદકતા વધે છે, જ્યારે ૬૭ ટકા લોકો કહે છે કે રજા લીધા પછી તેમને નોકરીમાંથી વધુ સંતોષ પ્રાપ્ત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter