લંડનઃ ઈંગ્લેન્ડમાં સોમવારથી ‘રુલ ઓફ સિક્સ’ કોરોના નિયંત્રણનો અમલ શરુ થાય તે અગાઉ બ્રિટિશરો આઝાદીનો છેલ્લો વીકએન્ડ મિત્રો અને પરિવાર સાથે આનંદથી ઉજવવા શેરીઓમાં નીકળી પડ્યા હતા. લંડન, માન્ચેસ્ટર, નોટિંગહામ સહિતના શહેરોમાં પબ્સ, બાર અને રેસ્ટોરાંમાં લાંબી લાઈનો લાગી હતી. હવે મહિનાઓ સુધી પાર્ટીઓ અને એકબીજાને મળવાનું નહિ થાય તેની જાણ સાથે લોકો પબ્સ, બાર- રેસ્ટોરાંમાં ઉમટી પડ્યાં હતાં. ક્રિસમસ જેવાં નાચગાનનો માહોલ પણ રચાયો હતો.
બીજી તરફ, પોલીસ વડાઓએ લોકોને એકબીજાનું ધ્યાન રાખી પાર્ટીઓ મનાવવાથી દૂર રહેવા અપીલ કરી હતી. પોલીસ અધિકારીઓએ ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે પ્રી-લોકડાઉન પાર્ટીઓથી બ્રિટન ‘લાસ્ટ ડેઝ ઓફ રોમ’ જેવું જણાય તેવી ચિંતા છે. વીકએન્ડમાં હજારો લોકો કોરોના નિયંત્રણોનો ભંગ કરશે તો તેમને અટકાવવાનો પૂરતો ફોર્સ પણ પોલીસ પાસે નથી.