લંડનઃ 12 દેશોના એક્ટિવિસ્ટોએ જણાવ્યું છે કે કિંગ ચાર્લ્સ તૃતિય તેમની તાજપોશીના પ્રસંગે બ્રિટિશ સંસ્થાનવાદ અને ગુલામીની ભયાનક અસરો માટે માફી માગે અને ન્યાય માટેની વળતી પ્રક્રિયાનો પ્રારંભ કરે. 12 દેશોના એડવોકેસી ગ્રુપ દ્વારા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કિંગ ચાર્લ્સ તૃતિય તેમની તાજપોશીના પ્રસંગે ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિય, બહામાસ, બેલિઝ, કેનેડા, ગ્રેનેડા, જમૈકા, પાપુઆ ન્યુ ગિની, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિન્સના લોકોને ગુલામ બનાવવા અને સામુહિક જનસંહાર માટે જાહેર માફી માગે.
સદીઓના વંશીય ભેદભાવ, અત્યાચાર, સંસ્થાનવાદ અને ગુલામીમાંથી બહાર આવવા માટે અમારા સમુદાયને મદદ કરી રહેલા સંગઠનોને હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ માન્યતા આપી દેવાઇ છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ બ્રિટિશ સંસ્થાનવાદને માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે ગણાવ્યો છે ત્યારે કિંગ ચાર્લ્સે વિધિવત માફી માગીને ન્યાયની પ્રક્રિયાનો પ્રારંભ કરવો જોઇએ.
એક્ટિવિસ્ટો એમ પણ ઇચ્છે છે કે બ્રિટિશ શાસન દરમિયાન લૂટી લેવાયેલા અમારા સાંસ્કૃતિક ખજાના અને કલાકૃતિઓને પણ બ્રિટને પરત કરવા જોઇએ. યુકેના મ્યુઝિયમોમાં સંગ્રહિત અમારા અમૂલ્ય વારસાને કિંગ ચાર્લ્સે પરત કરવા જોઇએ.


