લંડનઃ જર્મનીની BioNTech SE સાથે મળી વિકસાવાતી યુએસ ડ્રગ્સ ઉત્પાદક કંપની ફાઈઝર ઈન્ક.ની કોરોના વેક્સિન ઓક્સફર્ડ - એસ્ટ્રેઝેનેકા ઈન્જેક્શન કરતા વહેલી તૈયાર થવાની શક્યતા છે અને બ્રિટિશરોને ક્રિસમસ પહેલા તે મળી શકશે તેમ આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે. બ્રિટને વેક્સિન દોડમાં આગ્રક્રમે રહેલા ફાઈઝર અને ઓક્સફર્ડ – એસ્ટ્રેઝેનેકા સહિત છ વેક્સિન કેન્ડિડેટ્સ પાસેથી પૂરવઠો મેળવવાનો સોદો કર્યો છે. બીજી તરફ, વેક્સિન ઝડપથી તૈયાર થશે તેવા આશાવાદ સામે ચેતવણી પણ આપવામાં આવી છે.
યુએસ ડ્રગ્સ ઉત્પાદક કંપની ફાઈઝર દ્વારા અગાઉ જણાવાયું હતું કે વેક્સિન કામ કરે છે કે નહિ તેનો ડેટા ટુંક સમયમાં જારી કરાશે. નવેમ્બરના ઉત્તરાર્ધમાં પૂરતો સુરક્ષા ડેટા મળ્યા પછી ફાઈઝર યુએસના રેગ્યુલેટર્સ પાસેથી વેક્સિન ઉમેદવાર તરીકે ઈમર્જન્સી ઓથોરાઈઝેશન મેળવવા ધારે છે. જોકે, વરિષ્ઠ બ્રિટિશ આરોગ્ય નિષ્ણાત અને યુકેના વેક્સિન ટાસ્કફોર્સ ફોર કોવિડ-૧૯ના વડા કેટ બિંઘામે પહેલા મંજૂર થયેલી વેક્સિન કદાચ કામ ન આપે તેવી ચેતવણી આપતાં વેક્સિનની મદદથી કોરોના રોગચાળાને પરાજિત કરવાની આશાને ફટકો પડ્યો હતો. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે ક્રિસમસ પહેલા વેક્સિન આવવાની શક્યતા નહિવત્ છે.
મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત લેખમાં મિસ બિંઘામે જણાવ્યું હતું કે વેક્સિન સંક્રમણ ન અટકાવે પરંતુ, લક્ષણોને ઘટાડે તે માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ અને કદાચ તે તમામના માટે અથવા લાંબો સમય કામ ન આપે તેમ પણ બની શકે છે. અત્યારે ચકાસણી હેઠળની તમામ વેક્સિન નિષ્ફળ પણ જઈ શકે છે.


