લંડનઃ સરકાર કોરોના વાઈરસના વધતા કેસીસને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે લગભગ ૭૫ ટકા બ્રિટિશરો કોરોનાફોબિયાની અસર તળે આવી રહ્યા છે. દેશની ત્રીજા ભાગની વસ્તી સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હેઠળ છે અને મે મહિના પછી લોકો કોવિડની પરિસ્થિતિ વિશે સૌથી વધુ ચિંતામાં પડ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા સામાજિક ટ્રેન્ડ્સના નિર્દેશોનો અભ્યાસ જારી કરાયો છે.
ONS નો સપ્ટેમ્બર ૨૪થી ૨૭ના ગાળાનો અભ્યાસ જણાવે છે કે ઘેરથી કામકાજનું પ્રમાણ વધ્યું છે અને લોકો ઘરમાં સામાજિક મેળમિલાપ ટાળી રહ્યા છે. ઉનાળા પછી સોશિયાલાઈઝિંગ, બહાર જમવાનું અને પ્રવાસનનું પ્રમાણ ઘટી ગયું છે. ૨૦ ટકા વયસ્કોનું કહેવું છે કે તેમણે અન્ય પરિવારના લોકો સાથે ખાનગી સ્થળોમાં મુલાકાતો કરી હતી. અગાઉના સપ્તાહમાં આ પ્રમાણ ૩૦ ટકાનું હતું. નોર્થના વિસ્તારોમાં લોકડાઉન નિયંત્રણો લદાયા પછી ૩૭ ટકાએ કહ્યું હતું કે તેઓ પોતાના ઘરના સભ્યો સિવાય બહારના કોઈ લોકોને મળ્યા નથી. જે સ્થળોએ રુલ ઓફ સિક્સ સિવાયના નિયંત્રણો નથી ત્યાં પણ ૨૨ ટકા સભ્યો આનાથી દૂર રહ્યા છે.૧૦માંથી આઠ ટકાએ કહ્યું હતું કે અન્ય લોકોને મળતી વખતે મોટા ભાગે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું હતું.
સરકારે શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમની સલાહ આપ્યા પછી કામના સ્થળે જવા પ્રવાસ કરનારાનું પ્રમાણ ૬૪ ટકાથી ઘટી ૫૯ ટકા થઈ ગયું હતું. બીજી તરફ, લોકોની એન્ગ્ઝાઈટી –ચિંતાતુરતા ઊંચે જઈ રહી છે. ૭૪ ટકા લોકોને તેમના જીવન પર કોરોના વાઈરસની અસર વિશે ચિંતા થઈ છે. મે મહિનામાં નિયંત્રણો હળવા કરવાની શરુઆત પછી આ સૌથી વધુ પ્રમાણ છે.
અન્ય YouGov રિસર્ચ અનુસાર લોકો સંક્રમણમાં વધારા મુદ્દે થોડા ઘણાં અંશે વડા પ્રધાન જહોન્સનના નિર્ણયોને દોષ આપી રહ્યા છે. પબ્સને ફરી ખોલવાના નિર્ણયને ૪૬ ટકા લોકોએ ખોટો ગણાવ્યો હતો. જોકે, ૪૧ ટકાએ તેને યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાં પાછા ફરવાની છૂટ આપતા નિર્ણયને ૪૫ ટકાએ અયોગ્ય અને ૪૦ ટકાએ યોગ્ય ઠરાવ્યો હતો.