લંડન: બાલમોરલ કેસલ ખાતે મહારાણી એલિઝાબેથ બીજા દ્વારા સરકાર રચવાનો દાવો સ્વીકારાયા બાદ લિઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા હતા. અહીં તેમણે વડાંપ્રધાન તરીકે સૌપ્રથમ સંબોધન કરતાં બ્રિટનને એક પ્રાણવાન રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રસિદ્ધ બ્લેક ડોરની બહાર એકઠાં થયેલા સમર્થકોને સંબોધન કરતાં લિઝ ટ્રસે દેશવાસીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આપણા દેશ માટે આ કટોકટીભર્યો સમય છે. પુતિન દ્વારા શરૂ કરાયેલા યુદ્ધને કારણે ઊભી થયેલી એનર્જી કટોકટી સામે તેઓ પગલાં ભરશે. લિઝ ટ્રસે થોડા જ દિવસોમાં મોટું બેઇલ આઉટ પેકેજ જારી કરવાનો પણ સંકેત આપ્યો હતો. લિઝ ટ્રસ એનર્જી બિલ 2500 પાઉન્ડ પ્રતિ વર્ષની મર્યાદા લાદે તેવી સંભાવના છે. વડાંપ્રધાને જણાવ્યું હતું કે, એનએચએસની સેવાઓ સુદ્ધઢ કરવી અને કરવેરામાં કાપ મારી પ્રાથમિકતાઓ રહેશે. વરસતા વરસાદ વચ્ચે ટ્રસે જણાવ્યું હતું કે, તેઓ આ તોફાનને પણ પાર કરી જશે.
છેલ્લા 6 વર્ષમાં ચોથા કન્ઝર્વેટિવ વડાપ્રધાન બનેલા લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, બ્રિટનને પીછેહઠ કરાવી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે. કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધ દ્વારા સમગ્ર વિશ્વમાં સર્જાયેલી સમસ્યાઓનો આપણે પણ સામનો કરી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે આપણે આ ચક્રવાતી તોફાનને પણ પાર કરી જઇશું. આપણે આપણા અર્થતંત્રનું પુનઃનિર્માણ કરી શકીશું. આપણે આધુનિક બ્રિલિયન્ટ બ્રિટન બનવા સક્ષમ છીએ. દેશની જનતા અને ભાવિ પેઢીઓ માટે તકો અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ આપણુ મહત્વનું મિશન છે. ટ્રસે જણાવ્યું હતું કે હું કામ કરતાં, નિર્માણ કરતા અને વિકાસ કરતા બ્રિટનને જોવા માગુ છું. જનતે અસ્વીકાર્ય એનર્જી બિલનો સામનો ન કરવો પડે તેની હું કાળજી લઇશ. હું આ સપ્તાહમાં જ એનર્જી બિલ ઘટાડવા અને વીજપૂરવઠો સુનિશ્ચિત કરવાના પગલાં લઇશ. હું દેશને લાંબા ગાળાની સફળતાના રૂટ પર લઇ જવા માગુ છું. બ્રિટનમાં ટેલેનટ અને ઇમેજિનેશનની કોઇ છત નથી. આપણે આ ચક્રવાતી તોફાનમાંથી ઝડપથી બહાર આવી જઇશું. ટ્રસે જણાવ્યું હતું કે, મારી 3 પ્રાથમિકતાઓ છે. કરવેરામાં કાપ મૂકીને અર્થતંત્રનો વિકાસ કરવો, આ સપ્તાહથી જ વધી રહેલી એનર્જી કોસ્ટ સામે પગલાં લેવાં અને જનતાને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવી.


