લંડનઃ પેરિસના મ્યુઝિયમમાં થયેલી લૂટના અહેવાલોની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં બ્રિસ્ટોલના મ્યુઝિયમમાંથી 600 કરતાં વધુ કલાકૃતિની ચોરીએ ખળભળાટ મચાવી દીધો છે. 25 સપ્ટેમ્બરના રોજ પરોઢિયે કમ્બરલેન્ડ બેસિન એરિયામાં સ્થિત મ્યુઝિયમમાંથી લશ્કરી પ્રતિકો, જ્વેલરી, નેચરલ હિસ્ટ્રીની વસ્તુઓ અને આરસ, કાંસા અને ચાંદીની પ્રતિમાઓની ચોરી કરાઇ હતી.
બ્રિટિશ એમ્પાયર અને કોમનવેલ્થ કલેક્શનની ચોરી બાદ પોલીસે સીસીટીવીમાં ઝડપાયેલા 4 શંકાસ્પદોની ઇમેજ જારી કરી છે. બ્રિસ્ટોલ સિટી કાઉન્સિલના કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીના વડા ફિલિપ વોકરે જણાવ્યું હતું કે, આ ચોરીથી મ્યુઝિયમને મોટું નુકસાન થયું છે. ચોરી થયાની જાણ બીજા દિવસે થઇ હતી. ચોરાયેલી કલાકૃતિઓ પૂર્વ બ્રિટિશ એમ્પાયર અને કોમનવેલ્થ મ્યુઝિયમનું કલેક્શન હતી. 2013માં બ્રિસ્ટોલ મ્યુઝિયમને આ કલાકૃતિઓ દાનમાં અપાઇ હતી. સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે, આ બીજીવારની ધાડ છે જેમાં 95 ટકા કલાકૃતિઓ અને સંગ્રહ ચોરાઇ ગયાં છે.
પોલીસે જણાવ્યું હતું કે, મહત્વનું સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતા પ્રતિક અને કલાકૃતિઓની ચોરીના કારણે બ્રિસ્ટોલ શહેરને મોટું નુકસાન થયું છે. આ કલાકૃતિઓ બ્રિટિશ ઇતિહાસનો મહત્વનો સંગ્રહ હતી. અમે આશા રાખીએ છીએ કે અપરાધીઓને ઝડપી લેવામાં જનતા અમારી મદદ કરશે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ આગળ વધારી રહી છે.
ચોરો બ્રિટિશ ઇન્ડિયા ઇતિહાસનો સંગ્રહ પણ ઉઠાવી ગયાં
બ્રિસ્ટોલના મ્યુઝિયમમાંથી થયેલી ચોરીમાં બ્રિટિશ ઇન્ડિયા સાથે સંકળાયેલી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઇસ્ટ ઇડિયા કંપનીના અધિકારીનો કમર પટ્ટો, હાથીની આરસની પ્રતિમા, ભગવાન બુદ્ધની આરસની પ્રતિમા સહિત ઘણી ઐતિહાસિક જ્વેલરી, ચાંદીની વસ્તુઓ, કાંસાની પ્રતિમાઓ ચોર ઉઠાવી ગયાં હતાં. કલેક્શનમાં વર્ષ 1903માં કિંગ એડવર્ડ સાતમાના દિલ્હી દરબારની તસવીર, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરમાં તહેનાત બ્રિટિશ સૈનિક જોસેફ સ્ટીફન્સ દ્વારા લખાયેલા 250 પત્ર, 1930ના દાયકામાં ઇન્ડિયન રેલવે માટે પોસ્ટર આર્ટિસ્ટ તરીકે કામ કરતા વિક્ટર વીવર્સ દ્વારા લેવાયેલી તસવીરોનો પણ સમાવેશ થાય છે.


