લંડન
બ્રિટનમાં વીજળીના બિલ અને મોંઘવારીનો સામનો ન કરી શકે તેવા લોકો માટે શિયાળામાં ગરમ જગ્યાઓ પૂરી પાડવાની યોજના બ્રિસ્ટોલમાં તૈયાર કરાઇ છે. બ્રિસ્ટોલના સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર ઇમારતોમાં આ પ્રકારની ગરમ જગ્યાઓ તૈયાર કરવાના સંકેત આપ્યા છે.
મની સેવિંગ એક્સપર્ટના સ્થાપક માર્ટિન લૂઇસે કરેલા ટ્વીટમાંથી આ પ્રકારની વોર્મ બેન્ક તૈયાર કરવાનો વિચાર આવ્યો છે. લૂઇસે જણાવ્યું હતું કે, હું જે લખી રહ્યો છું તે માની શક્તો નથી પરંતુ આ શિયાળામાં આપણને ફૂડ બેન્કની જેમ વોર્મ બેન્કની જરૂર પડશે. ફૂડ બેન્ક ખાતે ગરીબો ભોજન મેળવી શકે છે તેવી જ રીતે વોર્મ બેન્ક ખાતે વિના મૂલ્યે ગરીબોને ગરમ જગ્યા પૂરી પાડી શકાય. લાયબ્રેરી જેવા જાહેર સ્થળોનો તે માટે ઉપયોગ કરી શકાય.
લૂઇસના આ પ્રસ્તાવ પર બ્રિસ્ટોલના મેયર માર્વિન રીસે જણાવ્યું હતું કે , આ સાચી વાત છે. અમે આખા શહેરમાં આ પ્રકારની વોર્મ બેન્ક તૈયાર કરી રહ્યાં છીએ. અમે તેમને વેલકમિંગ પ્લેસિસ નામ આપ્યું છે. સપ્ટેમ્બર સુધીમાં આ વોર્મ બેન્કો તૈયાર થઇ જશે અને ઓક્ટોબરથી ખુલ્લી મૂકાશે.
ગયા મહિને જ રીસે જણાવ્યું હતું કે, હાલના યુદ્ધના ધોરણે કામ કરવાનો સમય છે. અમે સામુદાયિક સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. જેથી શહેરમાં જરૂરીયાતમંદ લોકો માટે વોર્મ બેન્કો તૈયાર કરી શકાય.


