લંડનઃ ‘કિલ ધ બિલ’ વિરોધ પ્રદર્શને બ્રિસ્ટોલને રમખાણોની અરાજકતામાં મૂકી દીધું હતું. સરકારના પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ અને કોર્ટ્સ બિલમાં દેખાવો સાથે કામ પાર પાડવા પોલીસને વધુ સત્તા આપવાની યોજના છે જેની સામે લોકોએ વિરોધ કર્યો હતો.
૨૨ માર્ચના વિરોધ પ્રદશનમાં ૩,૦૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા અને ૫૦૦ જેટલા અરાજકતાવાદી તત્વો તેમાં જોડાઈ ગયા પછી હિંસક રમખાણો ફાટી નીકળ્યા હતા. શેરીઓના ફર્નિચર્સની તોડફોડ, રોડવર્ક્સના સાધનોનો નાશ અને પોલીસ સ્ટેશન પર હુમલો કરાયા સહિતની ઘટના જોવાં મળી હતી. સેંકડો દેખાવકારો ન્યૂ બ્રાઈડવેલ પોલીસ સ્ટેશન પર હલ્લો લઈ ગયા પછી હિંસા વધુ ભડકી હતી.
પોલીસના માનવા અનુસાર ‘સિસ્ટર્સ અનકટ’ના ટોળાંએ સારાહ એવરાર્ડ શ્રદ્ધાંજલિના પ્રસંગને હાઈજેક કરી લીધો હતો. પ્રોફેશનલ તોફાની તત્વોએ હિંસા - આગ ફેલાવી હતી. પોલીસને ૫૦૦ તોફાનીની તલાશ છે. બ્રિસ્ટોલના કોલેજ ગ્રીન ખાતે હજારો લોકો સરકારી બિલ સામે વિરોધ કરવા એકઠાં થયાં હતાં અને ડિટેક્ટિવ્સના મતે કટ્ટર ગુનાખોરો અને પ્રોફેશનલ અરાજકતાવાદીઓએ વિરોધને પોતાના હસ્તક લઈ લીધો હતો.
સિટી સેન્ટરમાં ભડકે બળતી પોલીસ કાર પર ગર્વથી ઉભા રહી ગયેલા અને આગમાં લપેટાયેલા ઈમર્જન્સી વ્હીકલ્સની સામે ઉજવણી કરતા લોકોને ઓળખવા સીસીટીવી, શરીર પર લગાવાયેલા કેમેરા અને ઘટનાઓને નજરે નિહાળનારા સાક્ષીઓની મદદ લેવાઈ રહી છે.
રેલી શાંતિથી નીકળી હતી પરંતુ, સાંજ ઢળતાની સાથે વિરોધ પ્રદર્શનમાં ઘૂસી ગયેલા તત્વોએ તેમનું કામ શરૂ કર્યું હતું. ૨૦ પોલીસ ઓફિસરને ઈજા થઈ હતી જેમાંથી બેની ઈજા ગંભીર છે. હિંસક ઘટનાઓ સંબંધે પોલીસે માત્ર ૭ વ્યક્તિની ધરપકડ કરી હતી. ફૂટેજની તપાસના આધારે વધુ વ્યક્તિઓની ધરપકડ કરાશે. સરકારના બિલ વિશે ચિંતા ધરાવતા બ્રિસ્ટોલના મેયર માર્વિન રીસે આ હિંસક ઘટનાઓને વખોડી કાઢતા કહ્યું હતું કે આ અરાજકતાનો ઉપયોગ બિલને વાજબી ઠરાવવા માટે કરાશે.
આ હિંસામાં સંડોવાયેલી મનાતી સંસ્થા Sisters Uncutની સ્થાપના ૨૦૧૪માં જેનેલ બ્રાઉન અને વિકી ફોર્ડ દ્વારા કરાઈ હતી જેનો હેતુ ડોમેસ્ટિક વાયોલન્સના પીડિતોની મદદનો હતો. સંસ્થાનું કહેવું છે કે પોલીસ સંસ્થાગત રીતે જ મહિલાઓ સામે હિંસક છે અને મહિલાઓની સલામતી માટે તેમનો વિશ્વાસ કરી શકાય નહિ. Sisters Uncut સંસ્થાને ગત વર્ષોમાં યુકેમાં સૌથી મોટા દેખાવોમાં આગળ રહેલી BLM UK અને એક્સ્ટિંક્શન રીબેલિઅનનું સમર્થન છે.
હોમ સેક્રેટરી પ્રિતી પટેલે બ્રિસ્ટોલમાં દેખાવો દરમિયાન ક્રિમિનલ માઇનોરિટી દ્વારા હિંસક ઘટનાઓને વખોડી કાઢી હતી. તેમણે કોમન્સમાં કોરોના વાઈરસ નિયંત્રણોનો ભંગ કરવા બદલ દેખાવકારોની ટીકા પણ કરી હતી.


